આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: દૂધ-1 લીટર • ખાંડ-1 કપ • મિલ્ક પાઉડર-1 કપ • ઘી-4 ચમચી • મોળો માવો - અડધો કપ
(સ્ટફિંગ માટે) ગુલકંદ-અડધો કપ • બૂરું કોપરું-1 કપ • મિક્સ ડ્રાયફ્રૂટ કતરણ-અડધો કપ • ગુલાબી ફૂડ કલર-ચપટી, ગુલાબની પાંદડીઓ સજાવટ માટે અને સજાવટ માટે: ચાંદીનો વરખ
રીત: સૌપ્રથમ દૂધમાં ખાંડ, ઘી અને મિલ્ક પાઉડર થોડો થોડો ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે મિશ્રણને ધીમા તાપે સતત હલાવતા ઉકાળતા જવાનું છે. આમાં ધીરજની જરૂર પડશે. દૂધ ઉકળીને અડધું થાય અને ધીરેધીરે ઘટ્ટ થવા લાગે એટલે માવો ઉમેરો. મિશ્રણ લચકા પડતું થાય અને ઘી છૂટે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર થયેલા બરફીના મિશ્રણના બે ભાગ પાડો. એક ભાગને ગ્રીઝ કરેલા ટીનમાં પાથરી લો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી બાઉલમાં મિક્સ કરીને બરફીના મિશ્રણ પર લેયર પાથરો. હવે ફરી તેના ઉપર બરફીનું લેયર પાથરો. સેન્ડવિચ બરફીને સેટ કરવા માટે એક કલાક ફ્રીજમાં મૂકી દો. સેટ થયેલી બરફી પર ચાંદીનો વરખ લગાવી કાપા પાડી લો.