સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ગુવાર • તેલ - ૪ મોટા ચમચા • અજમો - ૧ ચમચી • હળદર - ચપટીક • ધાણાજીરું પાઉડર - અડધી ચમચી • લાલ મરચું - બે ચમચી • મીઠું સ્વાદ અનુસાર • હિંગ - ચપટીક • પા ચમચી ખાવાનો સોડા
ઢોકળી બનાવવા માટેઃ ઘઉંનો જાડો લોટ - ૧૦૦ ગ્રામ • ચણાનો લોટ - ૫૦ ગ્રામ • તેલનું મોણ - ત્રણ ચમચી • ધાણાજીરું પાઉડર - એક ચમચી • લાલ મરચું પાઉડર - બે ચમચી • હળદર - પા ચમચી • મીઠું - સ્વાદ પ્રમાણે • હિંગ - ચપટીક • કોપરાનું છીણ - સજાવટ માટે • ઝીણી સમારેલી કોથમીર - સજાવટ માટે
રીતઃ એક કથરોટમાં ઢોકળીની તમામ સામગ્રી ભેગી કરીને ભાખરી કરતાં થોડો નરમ અને રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવો. આ લોટમાંથી નાની-નાની ગોળ ઢોકળી વાળી લો. હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગનો વઘાર કરો. એમાં સમારીને ધોઈને ચોખ્ખી કરેલી ગુવારને જોઈતું સરખું પાણી ઉમેરીને ચડવા મૂકી દો. ચપટીક ખાવાનો સોડા ઉમેરો. ગુવાર અધકચરી ચડવા આવે એટલે વાળેલી ઢોકળીને નાખીને ધીમે તાપે એને ખદખદવા દો. ઢોકળી ચડે અને ગુવાર મુલાયમ થઈ જાય એટલે બાકીનો તમામ મસાલો ઉમેરીને ફરી પાંચેક મિનિટ સુધી ખદખદાવી ગેસ પરથી ઉતારી લો. સજાવટ માટે તૈયાર કરેલું કોપરાનું છીણ અને કોથમીર ભભરાવીને ગરમાગરમ ફૂલકા સાથે પીરસો.