સામગ્રીઃ • પાપડી - ૧ કપ • લીલા ચણા - અડધો કપ • તુવેરના દાણા - અડધો કપ • વટાણા - અડધો કપ • કાચાં કેળાં - ૨ નંગ • સમારેલાં ટામેટાં - ૧ નંગ • સુકાં કોપરાની છીણ - પા કપ • સમારેલી કોથમીર - અડધો કપ • સમારેલી મેથી - ૧ કપ • લીલાં મરચાની પેસ્ટ - ૨ ચમચી • ઘઉંનો કરકરો લોટ - ૧ કપ • ચણાનો લોટ - પા કપ • ધાણાજીરું - ૩ ચમચી • હળદર - પા ચમચી • દળેલી ખાંડ - ૨ ચમચી • જીરું - અડધી ચમચી • હિંગ - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - ૨ ચમચા
રીતઃ પાપડી અને દરેક દાણાને ધોઈને કૂકરમાં ૨ ચમચા પાણી ઉમેરી ત્રણ સીટી વગાડી તરત જ કૂકર ખોલી લેવું જેથી પાપડી અને દાણા ગ્રીન કલરના જ રહેશે. એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેથી, કોથમીર, મીઠું, ધાણાજીરું, હિંગ તથા ૨ ચમચા તેલ મિક્સ કરીને મુઠિયાં વાળવાં અને તેલમાં ગોલ્ડન તળી લેવાં. કાચાં કેળાંની છાલ ઉતારીને મોટા પીસ કરીને ફ્રાય કરી લેવા. એક બાઉલમાં ધાણાજીરું, કોથમીર, કોપરાની છીણ, દળેલી ખાંડ, મીઠું, ગરમ મસાલો બધું કોરું મિક્સ કરીને જૈન ઊંધિયાનો મસાલો તૈયાર કરવો. કડાઈમાં તેલ મૂકી તેમાં બાફેલા પાપડી અને દાણા વધારવાં. લીલાં મરચાંની પેસ્ટ ઉમેરી લેવી. હવે ૨ ચમચા પાણી રેડી કોરો મસાલો ભભરાવો અને એના ઉપર ફ્રાય કરેલાં કાચાં કેળાં, મુઠિયાં, ટામેટાંના ટુકડાં ગોઠવો. બેથી ત્રણ ચમચા પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી દેવું. ૫થી ૭ મિનિટમાં ઊંધિયું તૈયાર થઈ જશે.