સામગ્રીઃ એક મોટું ટામેટું • એક કપ તાજું દહીં (વલોવેલું) • બે ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં • મીઠું સ્વાદાનુસાર • બે ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા કોઇ પણ રિફાઇન્ડ તેલ • એક ટીસ્પૂન રાઈ • એક ચપટી હિંગ • આઠથી દસ નંગ લીમડાનાં પાન • બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, સજાવવા માટે
રીતઃ એક વાસણમાં પાણી ઉકાળીને તેમાં ટામેટું ઉમેરીને મધ્યમ તાપ પર દસ મિનિટ સુધી અથવા ટામેટું બફાઇને નરમ થાય ત્યાં સુધી બાફીને કાઢી લો અને બાજુ પર રાખો. ટામેટું જ્યારે ઠંડુ થાય ત્યારે તેની છાલ કાઢીને ફોર્ક વડે હળવેથી છૂંદીને બાજુ પર રાખો. તે પછી તેમાં દહીં, લીલાં મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. વઘાર તૈયાર કરવા માટે, એક નાના પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હિંગ અને મીઠા લીમડાનાં પાન મેળવી થોડીક સેકન્ડ સુધી સાંતળી લો. આમ તૈયાર થયેલા વઘારને ટામેટાં-દહીંના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.