આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: જુવારનો લોટ - અડધો કપ • ઘઉંનો લોટ - અડધો કપ • બાજરીનો લોટ-અડધો કપ • ચોખાનો લોટ - પા કપ • ચણાનો લોટ - પા કપ • સમારેલી ડુંગળી - 1 નંગ • આદું-લસણ-મરચાંની પેસ્ટ - 1 ચમચી • અજમો - પા ચમચી • તલ - 1 ચમચી • હળદર - પા ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ધાણાજીરું - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સમારેલી કોથમીર - 4 ચમચી • સમારેલી મેથી - 4 ચમચી • પાણી - જરૂર મુજબ • તેલ - શેકવા માટે
રીત: એક પહોળા વાસણમાં બધા લોટને ભેગા કરી લઇને તેમાં સમારેલી ડુંગળી, આદું-મરચાં-લસણની પેસ્ટ, અજમો, તલ, મેથી, કોથમીર અને બધા ડ્રાય મસાલા મિક્સ કરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી હવે જરૂર મુજબ પાણી રેડી થોડો ઢીલો લોટ બાંધવાનો છે. પાતળી સપાટી પર બટર પેપર મૂકી સહેજ તેલનું ટીપું મૂકી હાથ વડે થેપીને થાલીપીઠ તૈયાર કરી લો. વચ્ચે આંગળી વડે કાણું પાડવાનું છે જેથી કરીને બરાબર શેકાય. હવે તૈયાર કરેલી થાલીપીઠને બટર પેપરની સાથે ઊંચકીને પેનમાં મૂકવી. અને એકદમ ધીરેથી બટર પેપર અલગ કરી લેવું. મીડિયમ તાપ પર તેલ મૂકી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકવી. આ રીતે થાલીપીઠ બનાવવામાં અને શેકવામાં થોડી ધીરજ અને પ્રેક્ટિસની જરૂર પડે છે. જો આ રીતે ન કરવું હોય તો પાણી વધુ ઉમેરી પુડલા જેવું ખીરું બનાવીને પણ પાથરી શકાય. જોકે શક્ય હોય ત્યાં સુધી આ રીતે જ બનાવવાનો પ્રયાસ કરવો. થાલીપીઠને નાસ્તામાં દહીં અને ઠેચા સાથે પીરસવી.