સામગ્રીઃ ૧૫૦ ગ્રામ દહીં • એક મોટી છીણેલી ડુંગળી • ચાર કળી ફોલેલું લસણ • એક ચમચી આદુ પેસ્ટ • એક ચમચી લીલા મરચાંની પેસ્ટ • એક નાની ચમચી રાઈ • ચાર પત્તા મીઠો લીમડો • એક ચમચી હળદર • એક ચમચી ધાણાજીરું • ચપટી હીંગ • ચપટી અજમો • મીઠું સ્વાદાનુસાર • ફુદીનો - કોથમીર સજાવટ માટે
(કોફતા માટે) ૨૫૦ ગ્રામ દૂધી • ૧૦૦ ગ્રામ ચણાનો લોટ • તળવા અને વઘાર માટે તેલ
રીતઃ કોફતા માટે દૂધીને છોલીને છીણી લો. તેમાં ચણાનો લોટ, હિંગ, અજમો અને પ્રમાણસર મીઠું નાંખીને થોડું પાણી ઉમેરો અને જાડું ખીરું તૈયાર કરી લો. તેના નાના ગોળા વાળીને તેલમાં તળી લો. હવે કરી માટે એક ફ્રાઇંગ પેનમાં બે ચમચી તેલ મૂકો. તેમાં રાઈ નાંખો. વઘાર આવી જાય એટલે હિંગ અને મીઠો લીમડો નાંખો. તેમાં લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાંખીને સાંતળો. હવે તેમાં ડુંગળી નાંખીને તે ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. હવે તેમાં દહીં ઉમેરો. આ બધા મિશ્રણને બે મિનિટ ધીમા તાપે ચઢવા દો. તેમાં દૂધીના કોફતા ઉમેરીને ફરીથી બે મિનિટ ચઢવા દો. ગરમાગરમ કોફતા કરીને ફુદીના અને કોથમીરથી સજાવીને પીરસો.