સામગ્રી (ખમણ માટે)ઃ • ચણાનો લોટ: 2 દાળીયા • ખાંડ: 3 ચમચી • પાણી: દોઢ દાળીયું • હળદર: અડધી ચમચી • લીંબુના ફુલ: 1 ચમચી (મસાલાની) • મીઠું: 2 ચમચી (સિંધવ) (મસાલાની) • તેલ: 2 ટેબલ સ્પુન • સોડા બાય કાર્બ: 1 ચમચી (મસાલાની)
સૌ પ્રથમ ખાંડ અને લીંબુના ફુલને થોડું પાણી નાંખી ઓગાળવા મુકવા. ત્યાર બાદ 2 દાળીયા ચણાના લોટને ચાળી લેવો. તેમાં તેલ, હળદર અને મીઠું નાંખી મિક્ષ કરવું. ઓગળી ગયેલા લીંબુના ફુલ અને ખાંડને લોટમાં નાંખવા. ધીરે ધીરે 1 દાળીયું પાણી નાખવું ત્યાર બાદ અડધું દાળીયું પાણી ઉમેરતાં પહેલા ૨ ચમચી જેવું પાણી સાઇડ માં રાખવું. બધું મિક્ષ કરવું. ૩ મિનિટ સુધી એક જ દિશામાં ધીરા હાથે હલાવવું. તે દરમ્યાન ગેસ ચાલુ કરી એના ઉપર ઢોકળીયું મુકી, અંદર કાંઠલો મુકી પાણીમાં લીંબુ નાંખવું. થાળી તેલથી ગ્રીસ કરી ગરમ કરવા મુકવી. થાળી બરોબર ગરમ થાય ત્યારે એક વાટકીમાં સોડા બાય કાર્બ લઇ તેમાં સાઇડમાં રાખેલું 2 ચમચી પાણી નાંખી અડધી મિનિટ ગરમ કરવું અને તરત જ લોટમાં ઉમેરી હલાવવું. થાળીમાં પાથરી ૨૦ મિનિટ સુધી મિડિયમ તાપે થવા દેવું. છેક સુધી ના પાથરવું. થાળીને વચ્ચે ખોલવાની નથી અને ખમણ થઇ ગયા બાદ ખોલીને ઢાંકવાની નથી. એક મિનિટ ખમણને ઠંડા પડવા દેવા. પછી ધારદાર છરીથી કાપા પાડી ખમણની જાળીવાળી સાઇડ પર પાણીનો વઘાર રેડવો. કોથમીરથી સજાવવું. લીલા કોપરાની છીણ પણ નાંખી શકાય.
સામગ્રી (વઘાર માટે)ઃ • તલ: 2 ચમચી • લીલા મરચાં: 3 કે 4 • રાઇઃ 1 ચમચી • તેલ: 3 ટેબલ સ્પુન • ખાંડ: 3 ટેબલ સ્પુન • મીઠું: અડધી ચમચી • પાણી: અઢી દાળીયા • મીઠા લીમડાના પાન: જરૂર પ્રમાણે • ડેકોરેશન માટે: કોથમીર
રીત: તેલ આવે તેમાં રાઇ, મરચા, મીઠો લીમડો નાંખીને તલ ઉમેરવા. મીઠું અને પાણી નાંખીને છેલ્લે ખાંડ નાંખી પાંચ મિનિટ ઉકાળવું. ખમણ પર રેડવું. કોથમીરનું ડેકોરેશન કરવું. (લેખિકાની અન્ય રેસિપી માટે જૂઓ યુટ્યુબ ચેનલઃ mayadeepak22)