સામગ્રીઃ ઘઉંનો લોટ દોઢ કપ • તેલ કે ઘી જરૂર પૂરતું
(સ્ટફિંગ માટે) • પનીરનું છીણ પોણો કપ • બાફેલા બટાકાનું છીણ અડધો કપ • સમારેલા મરચાં ૨ નંગ • આદુંની છીણ ૧ ચમચી • સમારેલો ફુદીનો ૧ ચમચો • કોથમીર ૨ ચમચાં • ધાણાજીરું પાઉડર ૧ ચમચી • મરચું અડધી ચમચી • ગરમ મસાલો પા ચમચી • આમચૂર ૧ ચમચી • મીઠું સ્વાદ મુજબ
રીતઃ ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાંખીને જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધો. તેને ઢાંકીને પંદર-વીસ મિનિટ રહેવા દો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં પનીરનું છીણ અને બાફેલા બટાકાનું છીણ મીક્સ કરો. બટાકા એકદમ છીણેલા હોવા જોઈએ. જો તેમાં ટુકડા રહી ગયા હશે તો પરોઠાં સરખા નહીં વણાય. હવે તેમાં સમારેલાં મરચાં, આદુંની છીણ, સમારેલી કોથમીર, ધાણાજીરું પાઉડર, મરચું, ગરમ મસાલો, આમચૂર, મીઠું અને સમારેલો ફુદીનો નાખો. આ બધાને સારી રીતે મિક્સ કરો. હવે લોટમાંથી એકસરખા છ લુઆ લો. તેને થોડા મોટા વણી તેની વચ્ચે પનીરનું સ્ટફિંગ મૂકો. કિનારીને ચપટીથી ભેગી કરી લઈ વચ્ચેથી સીલ કરી દો. પછી તેના પરોઠાં વણો. નોનસ્ટિક પર મધ્યમ આંચે બંને બાજુએ ઘી અથવા તેલ મૂકી સાંતળી લો.