સામગ્રીઃ બટાકા - ૩ નંગ • લીલાં વટાણા - પા કપ • તેલ - અડધો ચમચો • રાઈ - પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ - ચપટી • મીઠા લીમડાંના પાન - ૪થી ૫ • લીલાં મરચાંની પેસ્ટ - અડધી ચમચી • આદુંની પેસ્ટ - ૧ ચમચી • ગરમ મસાલો - પા ચમચી • સમારેલી કોથમીર - ૨ ચમચા • લીંબુનો રસ - ૧ ચમચો • ખાંડ - સ્વાદ મુજબ
કોટિંગ માટેઃ મેંદો - ૧ કપ • રવો - પા કપ • મીઠું - સ્વાદ મુજબ • ઘી - ૨ ચમચા • કોર્નફ્લોર - અડધી ચમચી
રીતઃ બટાકા અને વટાણાને કૂકરમાં એક-બે સીટી વાગે ત્યાં સુધી બાફો. ઠંડા થાય એટલે બટાકાને છોલી તેના ચોરસ ટુકડા કરો. એક કડાઈમાં અડધો ચમચો તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું અને હિંગ નાખો. રાઈ તતડે એટલે તેમાં લીમડો, આદું-મરચાંની પેસ્ટ નાંખી સાંતળો. તેમાં બાફેલા બટાકાના ટુકડા, વટાણા, મીઠું, ખાંડ, ગરમ મસાલો નાંખીને મિક્સ કરો. તૈયાર શાકમાં બારીક સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો અને આંચ ઉપરથી ઉતારી લો. સમોસાનું પૂરણ તૈયાર છે.
સમોસાના પડ માટે એક બાઉલમાં મેંદો, રવો, મીઠું, પીગળેલું ઘી નાંખીને મિક્સ કરો. ધીરે ધીરે પાણી ઉમેરતાં જઈને કણક બાંધો. તેને થોડું તેલ લગાવીને પંદર-વીસ મિનિટ ઢાંકીને રહેવા દો. હવે લોટમાંથી નાના-નાના લૂઆ લઈ તેની પાતળી રોટલી વણો. કિનારી જાડી ન રહે તેનું ધ્યાન રાખવું નહીં તો પોટલી બરાબર વળશે નહીં. બધા લોટની આ રીતે રોટણી વણો અને એકસરખા આકારની પાતળી પટ્ટી બનાવો.
તૈયાર પૂરણના એકસરખા ગોળા વાળો. એક વાટકીમાં પાણી ભરીને તેમાં અડધો ચમચો કોર્નફ્લોર મિક્સ કરો. હવે એક-એક રોટલી પર પૂરણનો ગોળો મૂકીને કિનારી પર કોર્નફ્લોરવાળું પાણી લગાવો અને પોટલીનો આકાર આપીને પટ્ટીથી બાંધી તળી લો.