સામગ્રીઃ એક કપ પૌંઆ • અડધો કપ દહીં • દોઢ કપ પાણી • અડધો કપ ખમણેલી દૂધી • અડધો કપ ખમણેલું ગાજર • પા કપ બાફેલા લીલા વટાણા • એક ચમચો આદું-મરચાંની પેસ્ટ • એક ચમચી ખાંડ • પા ચમચી હળદર • પા ચમચી લાલ મરચું • બે ચમચી તેલ • મીઠું સ્વાદ પ્રમાણે
વઘાર માટેઃ એક નાની ચમચી રાઈ • બે ચમચી તલ • ચપટીક હિંગ • એક ચમચી તેલ
રીતઃ દહીંમાં દોઢ કપ પાણી ઉમેરીને બરાબર વલોવી લો અને અલગ રાખો. પૌંઆને ધોઈને દહીંવાળા મિશ્રણમાં ૨૦થી ૨૫ મિનિટ માટે પલાળી રાખો. હવે પૌંઆમાં દૂધી, વટાણા, ગાજર તેમ જ અન્ય સામગ્રી (વઘાર અને બે ચમચી તેલ સિવાયન) નાખીને બધું બરાબર મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને હિંગનો વઘાર કરો. આ વઘારને પૌંઆના મિશ્રણમાં રેડીને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચાર ભાગમાં વહેંચી નાખો.
એક નોન-સ્ટિક તવી ગરમ કરો. એમાં અડધી ચમચી તેલ ઉમેરીને બરાબર સ્પ્રેડ કરો. હવે પૌંઆના મિશ્રણનો એક ભાગ રેડીને ચાર ઇંચ જેટલી સાઇઝનો હાંડવો બનાવો. એને ઢાંકીને મધ્યમ તાપે બન્ને સાઇડથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. એ જ રીતે બાકીના ત્રણ ભાગમાંથી પણ હાંડવો બનાવો. એને સર્વિંગ પ્લેટમાં કાઢીને કોથમીર ભભરાવીને સજાવો અને ગરમ પીરસો.