સામગ્રીઃ બાજરીનો લોટ ૧ કપ • ઘઉંનો લોટ ૨ ટેબલસ્પૂન • દહીં ૨ ટેબલસ્પૂન • સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન • સફેદ તલ ૩ ટી સ્પૂન • હળદર પાવડર અડધી ચમચી • લાલ મરચું પાવડર અડધી ચમચી • ધાણા પાવડર અડધી ચમચી • જીરું અડધી ચમચી • લીલું મરચું, લસણની બે કળી, આદુની પેસ્ટ - અડધી ચમચી • તેલ ૧ ટેબલસ્પૂન • ખાંડ અડધી ચમચી • મીઠું - સ્વાદ અનુસાર • તેલ તળવા માટે
રીતઃ બાજરીનો લોટ એક પરાતમાં અથવા ઊભી કિનારીવાળી થાળીમાં લો. એમાં ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ ઉમેરો. પછી આદુ, લીલું મરચું, લસણની પેસ્ટ ઉમેરો. તેમાં ૩ ટેબલસ્પૂન સમારેલી કોથમીર પણ ઉમેરો. હવે બધા મસાલા ઉમેરો. સફેદ તલ, ખાંડ અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો. આ પછી ૨ ટેબલ સ્પૂન દહીં ઉમેરો. ખૂબ જ સારી રીતે મિશ્રણ એક રસ કરો. હવે તેમાં ૧ ટેબલસ્પૂન તેલ ઉમેરો. ફરીથી એકદમ હલાવીને મિક્સ કરો. ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને ફરીથી મિક્સ કરો. પાણી ૧થી ૨ ટેબલસ્પૂન ઉમેરવું અને કણક બાંધવી. જો જરૂર હોય તો વધુ પાણી ઉમેરો. એકદમ નરમ કે એકદમ કડક નહીં કણક બાંધો. તેને ઢાંકીને એક કલાક માટે બાજુમાં મૂકો. ત્યારબાદ કણકમાંથી મધ્યમ કદના નાના લુઆ બનાવો. હાથના પંજા પર થોડુંક પાણી લઈને દરેક લુઆને વડા કે પેટ્ટીનો આકાર આપો. એ બહુ જાડું કે પાતળું ન હોય તે જોવું. પેનમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય કે હળવા હાથે તેલમાં વડા સરકાવો. બન્ને તરફ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. વડાને ચા કે કોઈ પણ ચટણી સાથે પીરસો.