આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મોળો માવો-200 ગ્રામ • મેંદો - 2 ચમચી • સોજી - 1 ચમચી • બેકિંગ સોડા - અડધી ચમચી • ખાંડ - 3 કપ • પાણી - 4 કપ • મિલ્ક પાઉડર - 4 ચમચી • ઈલાયચી પાઉડર - અડધી ચમચી (મિલ્ક કસ્ટર્ડ માટે) દૂધ - 2 કપ • કસ્ટર્ડ પાઉડર - 2 ચમચી • વેનિલા એસેન્સ - પા ચમચી • માવો - અડધો કપ • બારીક સમારેલા બદામ-પિસ્તા-કાજુ - પા કપ
રીત: પહોળા વાસણમાં માવાને સારી રીતે મસળી લો. તેમાં મિલ્ક પાઉડર, મેંદો અને બેકિંગ સોડા ઉમેરીને લોટ બાંધી લો. લોટ એકદમ નરમ તૈયાર થવો જરૂરી છે. સહેજ પણ તિરાડ ન રહે એવા નાના લીસ્સા ગોળા વાળી લો. એક કડાઈમાં ખાંડ અને પાણીની બે તારની ચાસણી બનાવી લો. ચાસણી થઈ જાય એટલે ઈલાયચી પાઉડર મિક્સ કરી ગેસ બંધ કરો અને ચાસણી ઠંડી પડવા દો. હવે અન્ય પેનમાં ઘી ગરમ મૂકી જાંબુને મીડિયમ બ્રાઉન રંગના તળો. એક વખતમાં જેટલા જાંબુ આવે તેટલા જ ઉમેરવા અને તાપમાન ઓછું કરી દેવું. વારેવારે જારા વડે અડકવું પણ નહીં. તળેલા જાંબુને તૈયાર થયેલી ચાસણીમાં બોળી દો. ઓવનને 180 ડિગ્રી પર પ્રીહિટ કરો. નોનસ્ટિક પેનમાં ઠંડું દૂધ, કસ્ટર્ડ પાઉડર અને એસેન્સ મિક્સ કરી મધ્યમ તાપે ઊકળવા મૂકો. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે બેકિંગ ડીશમાં ગુલાબજાંબુ ગોઠવો. તેની ઉપર તૈયાર થયેલું કસ્ટર્ડ રેડો. મોળો માવો અને સમારેલાં ડ્રાયફ્રૂટ ભભરાવો. થોડી ગુલાબની પાંખડીઓથી સજાવો. ઓવનમાં 10થી 12 મિનિટ માટે બેક કરો. ગુલાબજાંબુનો આ બેક્ડ અવતાર ખૂબ પસંદ આવશે.