સામગ્રીઃ ૧૫૦ ગ્રામ મગની દાળ • એક કપ તાજું મોળું દહીં • આદું-મરચાંની પેસ્ટ • મીઠું સ્વાદ અનુસાર • ચપટીક સોડા • સજાવટ માટે બારીક સમારેલી કોથમીર અને સેવ
રીતઃ મગની દાળને સરખી ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી રાખો. હવે એને મિક્સરમાં આદું-મરચાં અને ચપટીક સોડા ઉમેરીને પીસી નાખો. ખીરાને તેલમાં વડાં તળી શકાય એટલું ઢીલું રાખવું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકી વડાંને બન્ને તરફથી સરખાં તળી લો. ટિશ્યુ પેપર પર મૂકીને વધારાનું તેલ નિતારી લો અને ઠંડાં પડવા દો. હવે એક કડાઈમાં થોડુંક પાણી ગરમ કરવા મૂકો. એમાં થોડું મીઠું ઉમેરો. પાણી ઊકળે એટલે તળેલાં વડાંને એક-બે મિનિટ માટે પલળવા દો અને ત્યાર બાદ પાણીમાંથી બહાર કાઢી હલકા હાથે દબાવી પાણી નીતારી લો. દહીંમાં બ્લેન્ડર ફેરવીને થોડુંક પાતળું કરી નાખો. એક સર્વિંગ બાઉલમાં વડાં મૂકો. બ્લેન્ડર ફેરવીને તૈયાર કરેલું તાજું દહીં રેડો. થોડીક ખાટી-મીઠી અને તીખી ચટણી રેડો. સેવ અને કોથમીર ગાર્નિશ કરીને સર્વ કરો.