સામગ્રીઃ સાડા ચાર કપ મલાઈદાર દૂધ • થોડાક કેસરના તાંતણા • ૨ ટી-સ્પૂન હુંફાળું ગરમ દૂધ • અડધો કપ સાકર • ૧ ટેબલ સ્પૂન કોર્નફ્લોર • ૧ ટેબલ સ્પૂન દૂધ • ૨ ચપટી લીંબુ ફૂલ • અડધી ચમચી એલચી પાવડર
(સજાવટ માટે) ૧ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા પિસ્તાં • ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી બદામ
રીતઃ એક ઊંડા નોનસ્ટીક પેનમાં દૂધને ઊંચા તાપ પર વચ્ચે વચ્ચે એક-બે વખત હલાવતા રહી એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરો. આ માટે લગભગ ૪થી ૫ મિનિટ લાગશે. આ પછી ગેસ ધીમો કરીને મધ્યમ તાપે દૂધને વધુ ૧૫ મિનિટ સુધી અથવા તો દૂધ ઊકળીને અડધું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો અને આ દરમિયાન પેનની અંદરની બાજુ પર ચોંટેલા દૂધને ઉખેડતાં રહો. એક નાના બાઉલમાં કેસર અને હૂંફાળા દૂધને સારી રીતે મિક્સ કરીને બાજુએ રાખી મૂકો. આ પછી ઉકાળેલા દૂધમાં સાકર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર વધુ ૪થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પેનની અંદરની બાજુ પર ચોંટેલા દૂધને સતત ઉખેડતાં રહો. આની સાથે સાથે એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને દૂધ મેળવો. કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીને બાજુએ રાખી મૂકો. એક અન્ય નાના બાઉલમાં લીંબુના ફૂલ અને એક ટેબલસ્પૂન પાણી મિક્સ કરી બાજુએ રાખો. હવે ઉકળતા દૂધમાં ધીમે ધીમે કોર્નફ્લોર દૂધનું મિશ્રણ તથા લીંબુના ફૂલનું મિશ્રણ ઉમેરો અને દૂધમાં સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર વધુ ૪થી ૫ મિનિટ અથવા તો મિશ્રણ માવા સરખું થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી પેનની અંદરની બાજુ પર ચોંટેલા દૂધને ઉખેડતાં રહીને રાંધી લો.
આમ તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢીને, સરખી રીતે પાથરી ઠંડુ થવા માટે ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો. આ પછી તેમાં એલચી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગને તમારી હથેળીમાં લઈ ચપટ ગોળ પેંડા તૈયાર કરી લો. આ તૈયાર કરેલા દરેક પેંડા પર પિસ્તા અને બદામની કાતરી મૂકી સરખી રીતે દબાવી લો.
આ તૈયાર થયેલા પેંડાને તમે તાજાં પણ ખાઈ શકો અથવા ફ્રીજમાં મૂકી જરૂર પડે ત્યારે પીરસી શકો. આ સિવાય આ પેંડા એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં મૂકી રાખવાથી લગભગ એક અઠવાડિયાં સુધી તાજાં રહી શકે છે.