સામગ્રીઃ ઘઉંનો લોટ દોઢ કપ • મૂળાનું છીણ ૧ કપ • મૂળાની ઝીણી સમારેલી ભાજી પા કપ • સમારેલું મરચાં ૧ નંગ • ગરમ મસાલો પા ચમચી • ધાણા પાઉડર પા ચમચી • મરચું ૧ ચમચી • હળદર પા ચમચી • તેલ જરૂર મુજબ
રીતઃ મૂળાના છીણને એકદમ નિચોવી લઇને તેમાંથી બધું પાણી નિતારી લો. આ પાણીને એક વાટકીમાં ભરી લો, જેનો ઉપયોગ લોટ બાંધવામાં થઈ શકશે. એક બાઉલમાં મૂળાનું છીણ, મૂળાની સમારેલી ભાજી, સમારેલું લીલું મરચું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણા પાઉડર મિક્સ કરો. આને સારી રીતે ભેળવો. સ્ટફિંગ માટેના આ મસાલાને છ એક સરખા ભાગમાં વહેંચી લો. આ પછી ઘઉંના લોટમાં તેલ અને થોડું મીઠું નાખીને મૂળામાંથી નીતારેલા પાણી વડે લોટ બાંધીને તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દો. લોટમાંથી એકસરખા છ લુઆ બનાવીને દરેક લૂઆની નાની રોટલી વણી લો. તેની વચ્ચે મૂળાનું સ્ટફિંગ મૂકી રોટલીની ઝીણી ચપટી લઈ સીલ કરીને હળવા હાથે પરાઠાં વણો. નોનસ્ટિકને મધ્યમ આંચે ગરમ કરો અને તેલ મૂકીને પરાઠાં શેકી લો. તેના પર માખણ લગાવ અને ફુદીનાની ચટણી તથા રાયતા સાથે સર્વ કરો.