સામગ્રી: (ખીરા માટે) ચોખા - ૩ કપ • અડદ દાળ - ૧ કપ • તૂવેરદાળ - ૧ ચમચી • ચણા દાળ - ૧ ચમચી • મેથી દાણા - ચપટી • પૌંઆ - ૧ કપ
(મસાલા અને ચટણી માટે) બટાકા - ૧ કિલો • ડુંગળી - ૫૦૦ ગ્રામ • બાફેલા વટાણા - પા કપ • ટામેટાં - ૩ નંગ • દહીં - ૧ કપ, આદુંનો ટુકડો - ૧ • લીલાં નાળિયેરની છીણ - અડધો કપ • લીલાં મરચાંની પેસ્ટ - ૩ ચમચી • લસણ - ૧૦ કળી • દાળિયા - ૧ કપ • લસણની ચટણી - ૧ ચમચી • પાઉંભાજી મસાલો - ૧ ચમચી • લાલ મરચું પાઉડર - ૧ ચમચી • હળદર - પા ચમચી • ધાણાજીરું - પા ચમચી • હિંગ પાઉડર - ચપટી • આખું જીરું - ૧ ચમચી • લીમડો - ૮ થી ૧૦ પાન • સૂકું લાલ મરચું - ૧ નંગ
રીત: સૌપ્રથમ ચોખા, દાળ અને મેથીને ધોઇ નાંખી આખી રાત પલળવા દો. સવારે પૌંઆને ૧૦ મિનિટ પલાળીને મિક્સરમાં નાંખો અને તેમાં રાત્રે પલાળી રાખેલાં દાળ - ચોખા મેથી ઉમેરીને પીસી લો. મિશ્રણને ઢાંકીને આથો લાવવા મૂકી દો. આ પછી મૈસુર ભાજી બનાવવા માટે બટાકાને મીઠું નાખીને બાફી લો. હવે શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે લીમડો અને આખું જીરું વઘારમાં મૂકો. હવે એક કપ સમારેલી ડુંગળી, ૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ, બાફેલા વટાણા અને હળદર ઉમેરો. બરાબર સાંતળાય એટલે સમારેલાં ટામેટાં, લસણની ચટણી, પાઉંભાજી મસાલો ઉમેરો. બાફેલા બટાકા ઉમેરો. તૈયાર છે મૈસુર ભાજી.
હવે મૈસુર ચટણી બનાવવા માટે મિક્સર જારમાં દાળિયા, લસણ, આદુંનો ટુકડો, સૂકું લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, ૩ ચમચી દહીં, નાળિયેરની છીણ અને પા કપ પાણી ઉમેરીને મૈસુર ચટણી તૈયાર કરી લો.
ઢોસાના ખીરાંમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને જરૂર મુજબ પાતળું કરી લો. નોનસ્ટિક તવા પર ઢોસાં બનાવો. તેમાં પહેલાં મૈસુર ચટણી લગાવો અને એના ઊપર મૈસુર ભાજીને પાથરો. તૈયાર કરેલા ઢોસાંને નાળિયેરની ચટણી અને સાંભાર સાથે પીરસો. આ મૈસુર મસાલા ઢોસાંમાં બહુ ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી હેલ્ધી પણ છે.