(તોતાપુરી કેરીની છીણનો આ ગળ્યો છુંદો કાજુ-બદામના ટુકડા, કેસર તાંતણા તેમજ પાકી હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બનાવાય છે. બાળકો પણ સહેલાઈથી ખાય છે એટલે એનું નામ આપ્યું છે શાહી મુરબ્બો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ ખાવાની ખૂબ મજા પડશે. આમાં કેરીની છીણ કરતાં ખાંડનું પ્રમાણ દોઢ ગણું લેવાનું રહેશે.)
સામગ્રી: તોતાપુરી કેરીની જાડી છીણ - અઢી કિલો • ખાંડ - ૩.૭૫૦ કિલો • ૩-૪ પાકી હાફુસ કેરીના ટુકડા • લવિંગ - ૧૨ નંગ • તજના ટુકડા - ૩ નંગ • બદામ - ૨૦ નંગ • કાજુના ટુકડા - ૨૦ નંગ • ઈલાયચીના દાણા - ૧ ચમચી • કેસરના તાંતણા - ૧૦
રીત: સૌપ્રથમ તોતાપુરી કેરી ધોઈને છાલ ઉતારીને છીણી લો. હવે જે પેનમાં મુરબ્બો બનાવવાનો હોય એમાં છીણ અને ખાંડ મિક્સ કરી લો. સાંજે મિક્સ કરીને રાખી દેશો તો સવારે મુરબ્બો બનાવી શકાશે. હળવા હાથે હલાવી લો. બધી ખાંડ ઓગળી જાય એટલે ગેસ પર ગરમ કરવા મૂકો. તજ, લવિંગ ઉમેરી ૨૦થી ૨૫ મિનિટ સુધી સતત હલાવતા રહો. હવે કાજુ - બદામ, એલચી દાણા નાખીને હલાવી લો. હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી ૨૦થી ૨૫ મિનિટ સુધી થવા દો. કેસરના તાંતણા ઉમેરીને બરાબર હલાવી લો. ગેસ બંધ કર્યા બાદ પણ ૧૦ મિનિટ સુધી હલાવતા રહો. ઠંડુ પડ્યા બાદ બીજા દિવસે સવારે એરટાઈટ બરણીમાં આખા વર્ષ માટે ભરી લો.