લંડનઃ પેરન્ટ્સ માટે બાળકોને શાળામાં લંચ માટે શું આપવું તે ભારે ચિંતાનો વિષય બની રહે છે. માત્ર 1.6 ટકા લંચબોક્સ જ પૂરતાં પોષણ આપી શકનારા હોવાનું જણાયા પછી લંચબોક્સમાં શું મૂકવું તે શીખવવા માટે પેરન્ટસને શાળામાં બોલાવાય છે કારણ કે 60બાળકમાંથી માત્ર 1 બાળકના લંચ બોક્સમાં પોષક તત્વો હોય છે. બ્રિટનનાં એક તૃતીયાંશ બાળકોના લંચમાં ખાંડ વધુ હોય છે જ્યારે, અડધામાં ફળને સ્થાન મળતું નથી. માત્ર 20% બાળકોના લંચબોક્સમાં લીલાં શાકભાજી સામેલ હતાં.
યુનિવર્સિટી ઓફ લીડ્ઝના સંશોધકોના અભ્યાસ મુજબ બાળકોને ટિફિનમાં મુખ્યત્વે વ્હાઈટ બ્રેડમાંથી બનાવાયેલી સેન્ડવીચ અપાય છે અને તેના પર જામ અને માર્માઈટ લગાવેલાં હોય છે. બાળકોને બજારનું વધુ તેલવાળું ખાવાનું વધુ પસંદ હોય છે, પરંતુ તે શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. અભ્યાસ મુજબ બાળકો દૈનિક આધારે સૉસેજ રોલ્સ, બિસ્કિટ જેવી ચીજો વધુ ખાતા રહે છે, પરંતુ ફળ અને શાકભાજીનું સેવન ઘણું ઓછું કરે છે. હેમનું ફિલિંગ-પૂરણ સૌથી લોકપ્રિય છે પરંતુ, સંશોધકોએ પ્રોસેસ્ડ માસ અને આંતરડાંના કેન્સર વચ્ચે કડી હોવાની ચેતવણી આપેલી છે.
આ અભ્યાસના પગલે બ્રિટનની ચેરિટી સંસ્થા ‘સ્કૂલ ફૂડ મેટર્સ’ શાળાઓની સાથે સંકળાઈને પેરન્ટ્સને તેમના બાળકોના લંચબોક્સમાં શું આપવું જોઈએ તે શીખવવા પ્રયાસ કરી રહી છે. બાળકોના પોષણમાં સુધારો લાવવા માટે આ સંસ્થા 100થી વધુ શાળાની સાથે કામ કરી ચૂકી છે. સંસ્થા પેરન્ટ્સ માટે વિશેષ સત્ર રાખે છે અને બાળકોના લંચ પોષણથી ભરપૂર બનાવી શકાય તેની જાણકારી આપે છે. ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 1,000થી વધુ માતા-પિતા અને 76 સ્કૂલ્સ આ સત્રોમાં ભાગ લઈ ચૂક્યાં છે.
નેશનલ ઓબેસિટી ફોરમ મુજબ જો બાળકો જંક ફૂડને બદલે પૌષ્ટિક ભોજન કરે છે તો તેઓ એકાગ્ર થઈને ભણી શકે છે. તેઓ સ્કૂલમાં સમજાવવામાં આવતી દરેક વાતને વધુ સમય સુધી યાદ રાખી શકે છે. બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય છે.