લંડનઃ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા બુધવાર, ૧૯ એપ્રિલે વ્હાઈટ હોલ પ્રિમાઈસીસમાં સતત બીજા વર્ષે શીખોના પર્વ વૈશાખીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ડિફેન્સ સેક્રેટરી સર માઈકલ ફેલોન હતા. આ પ્રસંગે આર્મ્ડ ફોર્સીસ, મેટ પોલીસ અને કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત હતા.
ખાલસા સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના (શબદ) સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. બ્રિટિશ આર્મ્ડ ફોર્સના શીખ ધર્મગુરુ બીબી મનદીપ કૌરે વૈશાખી વિશે અને ખાલસાના મહત્ત્વની સમજ આપી હતી. લોર્ડ ઈન્દ્રજીત સિંહ હાલના સમયમાં શીખો માટે વૈશાખીની પ્રાસંગિકતાની વાત કરી હતી. ધર્મગુરુ કૌરના ભાઈ જસપ્રીત સિંહે વૈશાખીના તત્ત્વજ્ઞાનના માધ્યમથી શીખોની ઓળખ વિશે વિગતો આપી હતી. રેવ (ગ્રૂપ કેપ્ટન) જહોન આર ઈલીસે ‘આશા’ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. ચીફ સુપરિન્ટેન્ડન્ટ રાજ કોહલીએ પોલીસના સભ્ય, પબ્લિક ઓર્ડર કમાન્ડર અને સૌથી વધુ મહત્ત્વનું તો એ કે પાઘડીધારી શીખ તરીકે તેમણે પોતાની ઓળખનો સૌથી રસપ્રદ અનુભવ રજૂ કર્યો હતો..
સર માઈકલ ફેલોન તાજેતરમાં ભારતની મુલાકાતે ગયા હતા. તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું,‘ ભારતમાં મને ઘણાં શીખ પૂર્વ સૈનિકોને મળવાની તક સાંપડી હતી અને તે મહાન લોકશાહીની સ્થિરતામાં તેમના યોગદાન વિશે જાણવા મળ્યું. બ્રિટિશ લોકશાહીની સુરક્ષામાં પણ શીખોની ભૂમિકા હતી. હું એક એવા સૈનિકને મળ્યો જેમના સંબંધીએ મારા દાદા કેપ્ટન હેરોલ્ડ સ્પીન્ક સાથે ગ્રેટ વોર વખતે ઈન્ડિયન એક્સપીડીશનરી ફોર્સના સભ્ય તરીકે ફરજ બજાવી હતી. આમ તો આપણા પૂર્વજો વચ્ચે અંતર અને સંસ્કૃતિની દૂરી હતી પરંતુ, નસીબજોગે તેઓ સાથે થયા તે વિશિષ્ટ બાબત કહેવાય. પરંતુ, તેમનો કિસ્સો તો સેંકડો અને હજારો પૈકી એક છે. આજે વૈશાખીના પર્વ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે શીખ સાથીઓએ આ દેશ માટે જે યોગદાન આપ્યું છે તેને આપણે ભૂલીશું નહીં. આપણી ગૌરવવંતી શીખ કોમ્યુનિટીઝ હાલ જે યોગદાન આપી રહી છે તેને પણ બિરદાવવાની આ તક છે. ’
સર ફેલોને ઈંગ્લિશ બેંચના પ્રથમ એશિયન જજ સર મોતાસિંઘને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગયા વર્ષે તેમનું મૃત્યુ થયું હતું. સર ફેલોને હાઈકોર્ટના હાલના પ્રથમ શીખ જજ સર રબીન્દર સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સર ફેલોને જણાવ્યું હતું કે તમારી કોમ્યુનિટીની એકતાનું પ્રતીક કડું છે. હું લશ્કરી દળોમાં શીખો વધુ જોડાય અને એક કદમ આગળ વધે તેના માટે ઉત્સુક છે. જેથી લશ્કરી દળોમાં કડું પહેરેલા એડમિરલ, કિરપાણ સાથેના જનરલ અને કંગા ધારણ કરેલા કોમોડોર્સ હોય, કારણ કે અમે વિશ્વ સમક્ષ જે મૂલ્યો રજૂ કરવા માગીએ છીએ તે તમારામાં છે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની ખાસ વાતચીતમાં સર ફેલોને જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં બ્રિટિશ લશ્કરમાં અલગ શીખ રેજિમેન્ટની રચનાનું કોઈ આયોજન નથી.