લંડન: સામાન્ય રીતે ખેલાડીઓની ફિટનેસ ચકાસવા ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ એટલે કે એક પગ પર ઊભા રહીને સંતુલન જાળવવાનું કહેવાય છે. તેનાથી સ્નાયુઓની ક્ષમતા જાણવા મળે છે. હવે સંશોધકોએ આને આધેડ તથા વૃદ્ધ લોકોનું આરોગ્ય તપાસવાનું માધ્યમ બનાવવાની પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે 10 સેકન્ડ સુધી એક પગ પર સંતુલન જાળવીને ઊભા રહી શકતા લોકો સ્વસ્થ છે. આધેડ અને વૃદ્ધોના કિસ્સામાં આ નાનોએવો ટેસ્ટ દર્શાવે છે કે તેમનું શરીર હજુ કેટલાં વર્ષ સુધી ચાલવા માટે સક્ષમ છે.
અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને બ્રાઝિલના નિષ્ણાતો સહિત બ્રિસ્ટલ મેડિકલ સ્કૂલના આંતરરાષ્ટ્રીય જૂથે આ રિસર્ચ તાજેતરમાં જ પૂર્ણ કર્યું છે. જે અંતર્ગત તેમણે 12 વર્ષ સુધી સંતુલન અને મૃત્યુદર વચ્ચેનો સંબંધ તપાસ્યો. સંશોધકોનું કહેવું છે કે જો તમને સંતુલન જાળવવામાં તકલીફ પડતી હોય તો તે ગંભીર લક્ષણ હોઇ શકે છે. આધેડ અને વૃદ્ધ લોકો સંતુલન ન જાળવી શકતા હોય તો 10 વર્ષમાં જીવનું જોખમ રહે છે. રિસર્ચમાં સ્પષ્ટ કારણ તો સામે નથી આવ્યું પણ પરિણામ ચોંકાવનારું છે. રિસર્ચ દરમિયાન ટીમે 51થી 75 વર્ષના 1,702 લોકોના ડેટાનો અભ્યાસ કર્યો. પહેલાં હેલ્થ ચેકઅપ કરાયું અને પછી 10 સેકન્ડ સુધી એક પગે ઊભા રહેવા કહેવાયું. તેમને 3 વખત સંતુલન જાળવવા માટે પ્રયાસ કરવા કહેવાયું. આ દરમિયાન જોવા મળ્યું કે દર પાંચમાંથી એક વ્યક્તિ (20 ટકા) આ ટેસ્ટ પાસ ન કરી શકી.
71થી 75 વર્ષના 54 ટકા વૃદ્ધો સંતુલન ન જાળવી શક્યા જ્યારે 51થી 55 વર્ષના આવા લોકોની સંખ્યા માત્ર 5 ટકા રહી. 56થી 60 વર્ષના 8 ટકા અને 61થી 65 વર્ષના 18 ટકા લોકો જ એક પગે ઊભા રહી શક્યા. ટેસ્ટમાં નિષ્ફળ રહેલા લોકો મોટા ભાગે વૃદ્ધ, વધારે વજનવાળા અને ડાયાબિટીક જણાયા. તેમના પર વર્ષો સુધી નજર રખાઇ. સરેરાશ 7 વર્ષમાં 123 લોકોના (અંદાજે 7 ટકા) મોત થઇ ગયાં. અગાઉ થયેલાં આવાં સંશોધનોમાં સંતુલન ન જાળવી શકનારાઓને સ્ટ્રોક અને ડિમેન્શિઆનું જોખમ હોવાનું જણાવાયું હતું.
સંશોધકોનું કહેવું છે કે ફ્લેમિંગોની જેમ એક પગે ઊભા રહેવાનો ટેસ્ટ આધેડ વયથી રૂટીન હેલ્થ ચેકઅપમાં સામેલ કરવો જોઇએ. આ ટેસ્ટ સુરક્ષિત છે અને તેને રૂટીન ચેકઅપમાં સરળતાથી સામેલ કરી શકાય તેમ છે, કેમ કે તેમાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે.