નવી દિલ્હી: છેલ્લા બે વર્ષોથી સમગ્ર વિશ્વને કોરોના મહામારી પજવી રહી છે. એક તરફ જ્યાં દર વર્ષે એક નવા વેરિઅન્ટની સાથે આ મહામારી લોકોને ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક રીતે નબળાં બનાવી રહી છે. બીજી તરફ અમેરિકામાં માણસોની વચ્ચે ઝડપથી ફેલાઇ રહેલા એક સુપરબગે સમગ્ર વિશ્વાં ફરીથી ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
મેડિકલ સાયન્સ માટે આ બેક્ટેરિયા સુપરબગ છેલ્લા એક વર્ષમાં એક મોટો પડકાર બની ગયો છે. આ સ્થિતિમાં કોવિડ-19ના સંક્રમણે આ બેક્ટેરિયાને વધુ ખતરનાક બનાવી દીધો છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત અભ્યાસ બતાવે છે કે જો આ સુપરબગ આ જ ઝડપથી ફેલાશે તો આના કારણે દર વર્ષે એક કરોડ લોકોનાં મોત થઇ શકે છે.
વર્તમાન સમયમાં આ સુપરબગને કારણે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 13 લાખ લોકોના મોત થયા છે. લાન્સેટના અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સુપરબગ પર એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ દવાઓ પણ અસર કરી રહી નથી.
સુપરબગ કોઇ પણ એન્ટિબાયોટિક દવાના વધુ ઉપયોગ અને કારણ વગર એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવાથી પેદા થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફ્લુ જેવા વાયરલ સંક્રમણ થવા પર એન્ટિબાયોટિક લેવા પર સુપરબગ બનવાની વધુ શક્યતા રહેલી છે. જે ધીમે ધીમે બીજા માનવીઓને પણ સંક્રમિત કરી શકે છે. સુપરબગ એકથી બીજા માનવીમાં ચામડીના સંપર્ક, ઘાયલ થવા, લાળ અને જાતીય સંબધ બનાવવાથી ફેલાય છે. એક વખત સુપરબગ શરીરમાં પ્રવેશી જાય તો દર્દી પર કોઇ દવા અસર કરતી નથી. હાલમાં સુપરબગની કોઇ દવા ઉપલબ્ધ નથી.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ પછી લોકો વધારે એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. સ્કોલર એકેડેમિક જર્નલ ઓફ ફાર્મસીના અહેવાલ અનુસાર છેલ્લા 15 વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ 65 ટકા વધ્યો છે. કોરોના મહામારીથી બચવા અને પોતાની નબળી ઇમ્યુનિટીથી ડરીને લોકો સામાન્ય શરદી ખાંસીમાં પણ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે.