માનવશરીરને રોગમુક્ત રાખવા માટે નિયમિત કસરત અત્યંત જરૂરી છે. નિયમિત કસરત ફેટ, સ્ટ્રેસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે શરીરની વિવિધ ક્ષમતાઓમાં સુધારો કરે છે. કસરત ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીઓથી બચાવે છે. સાથે સાથે જ આત્મવિશ્વાસમાં વધારો કરે છે. કસરતથી શરીરને ફાયદો તો થાય છે, પરંતુ ઉમર વધવાની પણ શરીર પર અસર થતી હોય છે તે ના ભૂલો. વયના વધવા સાથે શરીરની ક્ષમતા ઘટવા લાગે છે. ખાસ કરીને 35ની ઉમર પછી માંસપેશીઓની ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ ઘટવા લાગે છે. આથી જો તમે 35ની વય પછી કસરત શરૂ કરવા માગો છો તો આ પાંચ બાબતે અવશ્ય સાવધાની રાખવી જોઈએ.
• બીજા સાથે સરખામણી ટાળોઃ એક ઉંમર પછી આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. આથી શરીરને રિકવરીમાં વધુ સમય લાગે છે. ઊંઘની પેટર્ન અને આપણી બાયોલોજિકલ ક્લોકમાં પણ ફેરફાર થાય છે. તેનો અર્થ એ છે કે, આ ઉંમર પછી ઊંઘ ઘટવાની સાથે જોઈએ તેવી ગાઢ નિદ્રા પણ આવતી નથી. જેની સીધી અસર શરીર પર થાય છે.
• કસરત વોર્મઅપ ક્યારેય ન ભૂલોઃ ત્રીસની ઉંમર પછી શરીરની સ્થિતિસ્થાપકતા ઝડપથી ઘટે છે. લાંબા સમય સુધી કસરત ન કરવાથી માંસપેસીઓ સંકોચાઈ જાય છે. વોર્મઅપ માંસપેસીને સ્ટ્રેચ કરે છે. રક્તપ્રવાહ વધારે છે. સાંધાને સંપૂર્ણ ક્ષમતા સાથે મૂવમેન્ટ કરવા માટે તૈયાર કરે છે. આથી, કસરત શરૂ કરતાં પહેલા પાંચથી દસ મિનિટ વોર્મઅપ જરૂર કરો.
• સ્માર્ટ એક્સરસાઈઝ પર ફોકસઃ શરીરને થાકથી નીચોવી નાંખે તેવી કસરત જ લાભ કરે એવું જરૂરી નથી. શરીરના ટીશ્યુને નુકસાન ન થાય અને ઓછા પરિશ્રમે વધુ લાભ કરે તેવી સ્માર્ટ કસરત તંદુરસ્તી માટે જરૂરી છે. સારી તંદુરસ્તીની સચોટ ફોર્મ્યુલા છે વધુ સારી રિકવરી. તમારા શિડ્યુલમાં કસરત દરમિયાન ટિશ્યુમાં થતી તુટ-ફુટની રિકવરી માટે પણ સમય જરૂરી છે. કેમ કે ઉમરની સાથે ટિશ્યુની રિકવરીમાં પણ વધુ સમય લાગે છે.
• લાંબું સીટિંગ ઘટાડવા પ્રયાસ કરો: દિવસનો મોટાભાગનો સમય જો એક જ સ્થળે બેસીને પસાર થાય છે તો તેને ઘટાડો. કેમ કે લાંબું સિટિંગ રક્તપ્રવાહ ધીમો કરે છે. માંસપેશીઓની ક્ષમતા અને તાકાત ઘટાડે છે. તેના લીધે કસરતથી થતા ફાયદા ઘટે છે. તમે જ્યારે ચાલો છો ત્યારે તેમાં થતાં સંકોચથી ઊર્જા વધુ વપરાય છે. ફેટ બર્ન થાય છે. તે વજન કાબુમાં રાખવામાં મદદ કરે છે. આથી, લાંબુ બેસવાનું ટાળો. દર 30થી 45 મિનિટે ઊભા થાઓ, હલનચલન કરો, એક નાનું સરખું ચક્કર મારો.
• કસરત પહેલા અને પછી પાણી જરૂર પીઓ: કસરત દરમિયાન પરસેવો વહેવો સારું છે, પરંતુ તેની ભરપાઈ પણ એટલી જ જરૂરી છે. ઉમરની સાથે ખુદને હાઈડ્રેટ રાખવાની શરીરની ક્ષમતા ઘટવા લાગે છે. આથી પૂરતું પાણી ન પીવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. એક વયસ્કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. કસરતથી પહેલા અને પછી ઓછામાં ઓછો એક ગ્લાસ પાણી જરૂર પીઓ. શરીર માટે બહુ જ લાભકારક સાબિત થશે.