ઓટાવાઃ 21 દેશોના એક લાખ લોકો પર તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે દિવસના 6થી 8 કલાક બેસી રહેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં, અકાળે મૃત્યુ થવાની શક્યતા પણ 12થી 13 ટકા વધી જાય છે. ઇન્ટરનેશનલ ટીમ ઓફ રિસર્સ તરફથી કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયામાં ગરીબ દેશોમાં મોટા ભાગના લોકો નોકરીમાં આખો દિવસ એક જ સ્થિતિમાં બેસીને લાંબો સમય પસાર કરે છે. જેથી, બાંગ્લાદેશ, ભારત અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં લોકો અકાળે મૃત્યુ કે હાર્ટ એટેકનો શિકાર થઇ રહ્યા છે. આ આંકડા ધૂમ્રપાનથી થનારાં મોતની તુલનામાં થોડાં જ ઓછા છે. અમેરિકામાં દર પાંચમાંથી ચાર જોબ શારીરિક મહેનત વગરની હોય છે. 1950થી 2019 સુધી આ પ્રકારની નોકરીઓમાં 80 ટકા વધારો થયો છે. સાયમન ફ્રેઝર યુનિવર્સિટીના સ્વાસ્થય વિજ્ઞાની સ્કોટ લિયર કહે છે કે દરરોજ અડધો કલાક વ્યાયામ કરવામાં આવે તો આ ખતરો ઘણા અંશે ઘટાડી શકાય છે.
વિકસિત દેશોમાં એવા લોકો કે જેઓ દિવસમાં છથી આઠ કલાક બેસી રહે છે તેમનામાં મૃત્યુદરનું જોખમ થોડું 10 ટકા સુધી વધતું જોવા મળ્યું છે. બીજી તરફ વિકાસશીલ દેશોમાં આ જોખમ વધીને 25 ટકા સુધી જતું જોવા મળ્યું છે.