ન્યૂ યોર્કઃ કોરોના મહામારી દરમિયાન બાળકોમાં સોશિયલ મીડિયા અને સ્ક્રીન પર સમય વિતાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. અમેરિકામાં એક અભ્યાસના માધ્યમથી માલૂમ પડ્યું કે 2019થી 2021 સુધીમાં ટીનએજર્સમાં સ્ક્રીનનો ઉપયોગ 17 ટકા સુધી વધી ગયો છે. જેમાં 8થી 12 વર્ષનાં બાળકોનો સ્ક્રીન ટાઇમ 4.30 કલાકથી વધીને 5.30 કલાક જ્યારે 13થી 19 વર્ષના ટીનએર્જર્સનો સ્ક્રીન ટાઇમ 7.30કલાકથી વધીને 8.30 કલાક થઇ ગયો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વધારો થવા માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે. જેમ કે, સ્કૂલ્સ બંધ રહેતાં ઓનલાઇન અભ્યાસ, ઘરની બહાર નીકળીને દુનિયા સાથે હળવા-ભળવાનું ઘટવું વગેરે. નિષ્ણાતો કહે છે કે આ ઘણી ચિંતાની વાત છે, કેમ કે જે સોશિયલ મીડિયા 13 વર્ષથી વધુ વયનાં બાળકોને પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા દેતા હતા તે પણ હવે 8થી 12 વર્ષનાં બાળકોને પોતાના પ્લેટફોર્મ પર સમય વિતાવવા દે છે.