લોસ એન્જલસઃ અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું છે કે પહેલાં તેઓ પોતાના શરીરના કદકાઠીને લઇને સંતુષ્ટ ન હતા. આ બાબતના લીધે તેઓ શરીરને ચુસ્તદુરસ્ત, કસાયેલું અને અન્યો માટે પ્રેરણારૂપ બનાવવા માટે તેઓ પ્રેરાયા હતા, અને આજની આ સિદ્ધિ અત્યાર સુધી કરેલી મહેનતનું પરિણામ છે.
જિમ અરિંગ્ટનનું નામ 2015માં ગિનેસ બુક દ્વારા સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર તરીકે નોંધવામાં આવ્યું હતું, અને આજ સુધી આ વિક્રમ તેમના નામે જ છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે અરિંગ્ટન સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ જીમ જાય છે અને માત્ર બે કલાક સુધી જ વેઇટલિફ્ટિંગ સંબંધિત કસરત કરે છે.
સેવાનિવૃત્ત સેલ્સ પ્રોફેશનલ જિમ અરિંગ્ટને પ્રથમ વખત 2015માં 83 વર્ષની વયે દુનિયાના સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું. તેઓ આજે 90 વર્ષની વયે પણ એક પછી એક બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ નેવાડામાં આઇએફબીબી પ્રોફેશનલ લીગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ટાઇટલ જીતવા સાથે ટ્રોફી પણ મેળવી હતી.