લંડનઃ કોવિડ-૧૯ના પેશન્ટ્સના જનીનિક એનાલિસીસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે કોરોના વાઈરસ સંક્રમણ દરમિયાન શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવામાં વ્યક્તિનું બ્લડ ગ્રૂપ મહત્ત્વનું કામ કરે છે. સંશોધકોએ યુરોપના હજારો કોરોના દર્દીઓના જિન્સની સરખામણી પછી જણાવ્યું છે કે A ટાઈપ બ્લડ ગ્રૂપ ધરાવનારાને કોરોના સંક્રમણનો સૌથી વધુ અને O બ્લડ ગ્રૂપ ધરાવનારાને સૌથી ઓછો ખતરો રહે છે. O બ્લડ ગ્રૂપ સાથેના લોકોની ઈમ્યુન સિસ્ટમ વધુ શક્તિશાળી હોય છે જે કોરોના જેવા વાઈરસની સપાટી પરના વિદેશી પ્રોટિન્સને ઓળખી શકે છે.
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત નવો રિપોર્ટ બ્લડ કનેક્શનના પૂરાવા આપતો નથી પરંતુ, ચીન સહિત અગાઉના રિપોર્ટ્સમાં દર્શાવાયેલી શક્યતાને મજબૂત સમર્થન આપે છે. મેડિકલ કોલેજ ઓફ વિસકોન્સિનના બ્લડ સ્પેશિયાલિસ્ટ ડો. પરમેશ્વર હરિએ જણાવ્યું હતું કે ચીનનો રિપોર્ટ ઉપરછલ્લો અભ્યાસ હતો પરંતુ, નવા અભ્યાસથી આ કડી મહત્ત્વની જણાય છે. જોકે, ઘણા વિજ્ઞાનીઓએ લોહીના પ્રકારની ભૂમિકાને શકવર્તી ગણાવી છે. અભ્યાસ મુજબ કોરોના વાઈરસમાં શ્વાસ લેવામાં તકલીફ ગંભીર ગણાય છે અને વાઈરસથી સંક્રમિત કેટલાક દર્દીઓમાં રક્ત જામી જવાના લક્ષણ પણ જોવાં મળ્યાં છે.
ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, જર્મની અને અન્ય દેશોના વિજ્ઞાનીઓને સાંકળતા અભ્યાસમાં તીવ્ર કોવિડ-૧૯ બીમારી ધરાવતા આશરે ૨૨૦૦ પેશન્ટ્સની સરખામણી તંદુરસ્ત અથવા હળવા લક્ષણ ધરાવતા લોકો સાથે કરી હતી. તેમણે ગંભીર રોગની શક્યતા સાથે છ જિન્સના વેરિએશન્સનો તેમજ સંભવિત જોખમ તરીકે બ્લડ ગ્રૂપ્સનો પણ અભ્યાસ કર્યો હતો. સંશોધકો કેટલાક લોકોને લાગેલો ચેપ શાથી ગંભીર બને છે અને કેટલાકને હળવી બીમારી લાગે છે તે શોધવા પ્રયાસ કરી રહ્યા છે.
સેન્ટર ફોર ઈન્ટરનેશનલ બ્લડ એન્ડ મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરના સાયન્ટિફિક વડા ડો. મેરી હોરોવિત્ઝ કહે છે કે,‘ લોહીના મુખ્ય ચાર પ્રકાર A, B, AB અને O છે, જેનો નિર્ણય લાલ રક્તકણોની સપાટી પરના પ્રોટિન્સ થકી થાય છે.’ ડો. હરિ અનુસાર O ટાઈપનું લોહી ધરાવનારા લોકો વાઈરસની સપાટી પર રહેલા સહિત ચોક્કસ પ્રોટિન્સને વિદેશી તરીકે ઓળખી લેવાની સારી ક્ષમતા રાખે છે. A બ્લડ ગ્રૂપ સાથેના લોકો કોરોના વાઈરસ સંબંધે વધુ શંકાસ્પદ શાથી છે તે વિજ્ઞાનીઓ નક્કી કરી શક્યા નથી. તેઓ માને છે કે આનું કારણ રોગપ્રતિકાર શક્તિ સાથેનો સંબંધ હોઈ શકે છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનેટિક મેડિસીનના ડાયરેક્ટર ડો. ડેવિડ વોલે કહે છે કેA બ્લડ ગ્રૂપને ઈ. કોલી બેક્ટેરિયાથી વારંવાર થતા મૂત્રનલિકાના ઈન્ફેક્શન્સ અને અલ્સર્સ અને જઠરના કેન્સર માટે જવાબદાર ગણાયેલા એચ. પ્લોરી તેમજ કોલેરા સહિત અન્ય કેટલાક ચેપી રોગ બાબતે શંકાશીલ ગણાવાય છે.