લંડનઃ આરોગ્ય સેવાને બરાબર ચલાવવા માટે NHS ઈંગ્લેન્ડ દ્વારા વિદેશથી ૩,૦૦૦ જીપીની ભરતી કરવા માટે ૧૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવનાર છે. ઈંગ્લેન્ડમાં ફેમિલી જીપી યોજનામાં એક ડોક્ટરની ભરતી કરવા માટે રીક્રુટમેન્ટ એજન્સીને આશરે ૨૦,૦૦૦ પાઉન્ડ મળશે. ડોક્ટરોની તીવ્ર અછતનો સામનો કરવા આ અભિયાન હાથ ધરાયું છે. NHS ઈંગ્લેન્ડને વધારાના ડોક્ટર્સ યુરોપમાંથી મળી રહેવાની આશા છે.
સરકારે ૨૦૨૦ સુધીમાં નવા ૫,૦૦૦ જીપીની ભરતી કરવાનું વચન આપ્યુ છે ત્યારે વિદેશમાં કાર્યરત ડોક્ટરોને ઈંગ્લેન્ડમાં સ્થાયી કરવા તેમને સમજાવવાની જરૂર પડશે. NHS Digitalના તાજા ડેટા મુજબ સપ્ટેમ્બર ૨૦૧૫માં ફુલટાઈમ જીપીની સંખ્યા ૨૯,૮૬૨ હતી તેમાં ૪૩૯ના ઘટાડા સાથે જૂન મહિનામાં૨૯,૪૨૩ જીપીની થઈ હતી. સંખ્યાબંધ ડોક્ટર્સની નિવૃત્તિ તેમજ વધુ વેતનના કારણે ખાનગી ક્ષેત્રનું આકર્ષણ ભારે અછત માટે જવાબદાર ગણાય છે.
શરૂઆતમાં તો વિદેશથી ૫૦૦ જીપીની ભરતી કરવાની યોજના હતી પરંતુ, પરિસ્થિતિની ગંભીરતાને નિહાળી લક્ષ્યાંક ૨૦૦૦થી ૩૦૦૦ની વચ્ચે રખાયો છે. જોકે, આ ભરતીના કારણે બ્રેક્ઝિટ પછી વિદેશી નાગરિકોની યુકેમાં રહી કામ કરવાના અધિકાર પર નિયંત્રણની પરીક્ષા થશે તે ચોક્કસ છે. RCGP અને બ્રિટિશ મેડિકલ એસોશિયને આ નિર્ણને હિંમતભર્યો ગણાવી આવકાર આપ્યો છે.