લંડનઃ NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપ બહાર આવ્યું છે. નોર્થ ટાયનેસાઈડમાં હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસ (HES)ના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના સ્થળે સર્જિકલ ટ્રેનિંગમાં વપરાયેલાં માનવ મસ્તકો, ધડ અને હાથ-પગ જેવા અવયવોથી ભરેલાં ફ્રીઝ, કેન્સરની સારવારમાં વપરાતા ખતરનાક અને જોખમી ઔષધો તેમજ નકામી બનેલી નીડલ્સ સહિતનો ટનબંધ ક્લિનિકલ કચરો પ્રક્રિયા કરાયા વિના કોથળાઓમાં ભરાઈને પડ્યો છે, જેનો હજુ સુધી નિકાલ કરાયો નથી. ચેપ લગાવે તેવા ક્લિનિકલ વેસ્ટની ભારે દુર્ગંધ પ્રસરી રહી છે, જે માખીઓ અને જંતુઓને આકર્ષી રહી છે. HES વિરુદ્ધ ક્રિમિનલ તપાસ હાથ ધરવામાં આવી છે. NHS સ્કોટલેન્ડ તેમજ ઈંગ્લેન્ડના ૧૭ NHS ટ્રસ્ટ દ્વારા મેડિકલ કચરાનો નિકાલ કરવા હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસને અપાયેલા કોન્ટ્રાક્ટસ રદ કરી નાખવામાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર સ્ટીફન બાર્કલીએ જણાવ્યું હતું કે HESની સેવા બદલવા નવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જોકે, કંપનીએ શારીરિક અંગો સહિત ક્લિનિકલ વેસ્ટના પહાડ જેવાં ટનબંધ કચરા માટે પોતે જવાબદાર હોવાનું નકારી તેના કોન્ટ્રાક્ટ્સ રદ કરનારા યોર્કશાયરમાં ૧૭ NHS ટ્રસ્ટો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની વિચારણા કરતી હોવાનું જણાવ્યું છે. તેના મેનેજિંગ ડાયરેક્ટર ગેરી પેટીગ્ર્યુએ જણાવ્યું હતું કે પરફોર્મન્સ મુદ્દાઓ પર કોઈ ચર્ચા વિના જ કોન્ટ્રાક્ટ્સ રદ કરવામાં આવ્યા છે અને કંપનીને તેની જવાબદારી પૂર્ણ કરવાની તક અપાઈ નથી.
એન્વિરોન્મેન્ટ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘ હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસે તેની ક્લિનિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સહિતના છ સ્થળોએ પર્યાવરણીય પરમીટ્સનો ભંગ કરેલો છે. વધારાના કચરાના નિકાલની અમારી કાર્યવાહી ચાલી રહી છે. અમે કંપની વિરુદ્ધ ક્રિમિનલ તપાસ પણ હાથ ધરી છે.’ એન્વિરોન્મેન્ટ એજન્સીએ સમર્થન આપી જણાવ્યું હતું કે સરકારે હસ્તક્ષેપ કર્યો તે અગાઉ કંપનીની પાંચમાંથી ચાર ફેસિલિટીમાં ક્ષમતા કરતા માનવ અંગો સહિત વધુ ક્લિનિકલ વેસ્ટ હતો. સ્કોટિશ એન્વિરોન્મેન્ટ પ્રોટેક્શન એજન્સીએ પણ HESની ડન્ડી અને શોટ સાઈટ્સ ખાતે ક્રિમિનલ અપરાધો થયા છે કે કેમ તેની તપાસ આદરી છે. ગત વર્ષે હેલ્થ સર્વિસ જર્નલમાં ઘટસ્ફોટ કરાયો હતો કે HESની વેસ્ટ યોર્કશાયરની નોર્મન્ટન ફેસિલિટીમાં માનવશરીરના અંગો સહિત વધારાનો કચરો ૩૫૦ ટન હતો, જે કંપનીની ૭૦ ટનની મર્યાદાથી પાંચ ગણો હતો. એન્વિરોન્મેન્ટ એજન્સીએ ગયા વર્ષે નોર્મન્ટન સાઈટને ઓછામાં ઓછી ૧૩ વોર્નિંગ નોટિસ જારી કરી હતી.
ક્ષમતા કરતા વધુ જોખમી વેસ્ટનો સંગ્રહ
કંપનીના ન્યુકેસલસ્થિત પૂર્વ કર્મચારીએ વર્ષ ૨૦૧૮ના અંત સુધીના કેટલાક મહિનાઓની બેન્ટન ડિસ્પોઝલ સાઈટની નવી તસવીરો જાહેર કરતા સનસનાટી મચી ગઈ છે. કર્મચારીએ દાવો કર્યો હતો કે બેન્ટન સાઈટ હજુ પણ ક્લિનિકલ, ફાર્માસ્યુટિકલ અને સર્જિકલ વેસ્ટથી ભરેલી છે. ડેપોના મુખ્ય હોલમાં જ ક્લિનિકલ વેસ્ટના આશરે ૬૦ કોથળા પડેલા દેખાય છે. આ ઉપરાંત, સાઈટના યાર્ડમાં સંખ્યાબંધ ટ્રેઈલરમાં પણ નિયમ વિરુદ્ધ ક્લિનિકલ વેસ્ટ ભરેલો છે. કર્મચારીએ વધુમાં જણાવ્યું હતું કે રેફ્રિજરેશન યુનિટમાં એનેટોમિકલ વેસ્ટ એટલે કે બોડી પાર્ટ્સ રખાયા છે, જે ઓછામાં ઓછાં છ સપ્તાહથી ત્યાં પડી રહ્યાં છે. સામાન્ય રીતે એક સપ્તાહમાં તેના નિકાલનો પ્રયાસ કરાય છે. કંપનીને કચરાના નિકાલ માટે નાણા ચુકવી દેવાયેલા છે પરંતુ, કચરો પડી રહ્યો છે. અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે NHS દ્વારા ઉત્પાદિત કચરાનું પ્રમાણ યુકેની કચરાનિકાલની ક્ષમતા કરતા ઘણું વધુ છે. HESની બેન્ટન ડિસ્પોઝલ સાઈટ માટે ૫૦ ટનની મંજૂર મર્યાદાથી ત્રણ ગણાથી વધુ એટલે કે ૧૬૫ ટન મેડિકલ વેસ્ટનો સંગ્રહ કર્યો હતો.
૪૦૦ કર્મચારીની છટણીઃ પગાર ન ચુકવાયો
NHS ટ્રસ્ટો દ્વારા કોન્ટ્રાક્ટ્સ રદ કરી દેવાતા HES કંપની ભાંગી પડી છે અને બેન્ટન સાઈટના અંદાજે ૫૦ સ્ટાફ મેમ્બરને ૨૭ ડિસેમ્બરે છટણીની નોટિસ આપી દેવાઈ હતી. કંપનીના દેશભરના ૪૦૦ કર્મચારીને પણ ડિસેમ્બરમાં આવી નોટિસો અપાયા પછી તેમના બાકી પગાર ચુકવવાની પૂર્વ માલિકો-ગેરી પેટીગ્ર્યુ અને તેમની પત્ની એલિસન સમક્ષ માગણી કરાઈ છે. કંપનીના માલિકોનો દાવો છે કે તેમની પાસે વેતન ચુકવવા નાણા નથી અને કામદારોએ રીડન્ડન્સી પેમેન્ટ સર્વિસીસ પાસે કાયદેસર છટણીના નાણા મેળવવાના દાવા કરવા જોઈએ. કર્મચારીએ જણાવ્યું હતું કે, ઘણી વખત ભારે દુર્ગંધ અને માખીઓના ત્રાસના કારણે કર્મચારીઓ કામ પણ કરી શકતા ન હતા. મેડિકલ વેસ્ટ નિયમિત આવતો હતો પરંતુ, નિકાલના મશીન (incinerator)માં તેનો નિકાલ કરાતો ન હતો. નોર્થ ટાયનેસાઈડના સાંસદ મેરી ગ્લિન્ડને જણાવ્યું હતું કે સાઈટ્ પર કામગીરી બંધ કરવાનું ચિંતાજનક છે અને મારી પ્રાથમિકતા કોમ્યુનિટીની સલામતી તેમજ નોકરી ગુમાવનારા વર્કર્સના ભવિષ્ય અંગેની છે.
હોસ્પિટલ ટ્રસ્ટોથી કંપનીની તિજોરી ભરાઈ
NHS બોડી પાર્ટ્સ કૌભાંડમાં સંડોવાયેલી કંપનીના બે માલિકો, ગેરી પેટીગ્ર્યુ અને તેમની પત્ની એલિસન પેટીગ્ર્યુએ ગયા વર્ષે કંપનીની તિજોરીમાંથી લગભગ ૮૦૦,૦૦૦ પાઉન્ડ પોતાના ખિસ્સામાં ભર્યાં હતાં. NHS હોસ્પિટલ ટ્રસ્ટો પાસેથી કોન્ટ્રાક્ટની ચૂકવણી પેટે લાખો પાઉન્ડ મેળવવા છતાં કંપનીએ ગયા વર્ષે માત્ર ૩૦,૦૦૦ પાઉન્ડનો નફો દર્શાવ્યો હતો. પેટીગ્ર્યુ દંપતી કંપનીના એકમાત્ર શેરહોલ્ડર છે. તેમણે એપ્રિલ ૨૦૧૭માં પૂરા થતા વર્ષ માટે ડિવિડન્ડ તરીકે ૪૮૦,૦૦૦ પાઉન્ડ અને કંપની ડાયરેક્ટર તરીકે વેતન સ્વરુપે ૩૦૦,૦૦૦ પાઉન્ડ પોતાને જ ચુકવ્યાં હતાં. ૩૧ મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતી કંપની હેલ્થકેર વેસ્ટ ડિસ્પોઝલના વાર્ષિક ૭૦ મિલિયન પાઉન્ડના બજારમાં ૨૦ ટકા હિસ્સા પર અંકુશ તેમજ સ્કોટલેન્ડમાં તમામ NHS હોસ્પિટલોની સાઈટ પર સર્વિંસિંગ કોન્ટ્રાક્ટ ધરાવે છે. કંપની હોલેન્ડને ૭૫૦ ટન ફાર્માસ્યુટિકલ વેસ્ટ નિકાસ કરવાની તજવીજમાં પણ હતી. લેનાર્કશાયર, સ્કોટલેન્ડ અને વેસ્ટ યોર્કશાયરમાં વડા મથક ધરાવતી કંપની NHS હોસ્પિટલ ટ્રસ્ટો પાસેથી મહિને માત્ર બાળી નાખવાનો ૫૮૪ ટન વેસ્ટ તેમજ બિનજોખમી ૧,૯૭૨ ટન વેસ્ટ એકત્ર કરતી હતી.