લંડનઃ કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા NHSના હજારો ફ્રન્ટલાઈન સ્ટાફને ધારણા કરતા વધુ જોખમ હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. કોવિડના પેશન્ટ્સની ખાંસીના કારણે સારવાર કરતા સ્ટાફને વાઈરસનો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાથી તેમને સારા PPE અને વેન્ટિલેશનની સુવિધા આપવા હેલ્થ સર્વિસ સત્તાવાળાને અનુરોધ કરાયો છે.
અભ્યાસમાં જણાયું છે કે બોલવા અથવા શ્વાસ લેવાની સરખામણીએ ખાંસી-ઉધરસથી ૧૦ ગણા વધુ ચેપી એરોસોલ પાર્ટિકલ્સ પેદા થાય છે. મહામારી દરમિયાન, NHSના સ્ટાફની બીમારી આના કારણે આવી હોવાનું સમજાય છે. આ સંશોધનથી કોવિડ-૧૯ અથવા શંકાસ્પદ કોવિડ-૧૯ની સારવાર કરતા કોઈને પણ FFP3 રેસ્પિરેટર માસ્ક સહિત પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પૂરાં પાડવા જોઈએ અને હોસ્પિટલોમાં વેન્ટિલેશન સિસ્ટમ સુધારવી જોઈએ તેવી માગણીઓને બળ મળ્યું છે.
સામાન્ય વસ્તીની સરખામણીએ હેલ્થ વર્કર્સને કોરોના વાઈરસનો ચેપ લાગવાની શક્યતા ચાર ગણી વધુ રહે છે. ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ (ICU) સ્ટાફ પાસે સૌથી રક્ષણાત્મક PPE હોય છે જ્યારે હોસ્પિટલના જનરલ વોર્ડ્સમાં સંક્રમણ લાગવાનો દર બમણો રહે છે. ICU વોર્ડ્સમાં જોખમ વધુ ગણાય છે કારણકે પેશન્ટના શ્વાસોચ્છવાસને મદદ માટે કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર (CPAP) જેવી સારવારના કારણે એરોસોલ પાર્ટિકલ્સ વધુ પ્રમાણમાં પેદા થાય છે, જે હવામાં તરતા રહે છે અને શ્વાસ મારફત ફેફસામાં પહોંચી શકે છે તેવી ધારણા સાથે ત્યાં સારી જાતના PPE ઉપયોગમાં લેવાય છે.
બીજી તરફ, હોસ્પિટલોના અન્ય વિસ્તારો, GP સર્જરીઝ અને કેર હોમ્સમાં કામ કરતા સ્ટાફને લૂઝ ફીટિંગના સર્જિકલ માસ્ક પૂરા પડાય છે જેનાથી વાઈરસ ધરાવતા મોટા ડ્રોપલેટ્સને અટકાવી શકાય છે પરંતુ, સુક્ષ્મ પાર્ટિકલ્સ સામે ઓછું રક્ષણ મળે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં માર્ચ અને ડિસેમ્બરની વચ્ચે ઓછામાં ઓછાં ૮૮૩ હેલ્થ વર્કર્સનું કોવિડના લીધે મોત થયું હતું.