જીવનનો અંત આવી રહ્યો હોય અને વ્યક્તિ મરણોન્મુખ હોય ત્યારે પણ તેને જે કંઇ કહેવાતું હોય તે બધું સાંભળી શકતી હોય છે, એમ એક અભ્યાસમાં જણાયું છે. વ્યક્તિ મૃત્યુ વેળાએ બેભાન અવસ્થામાં હોય તો પણ તેની શ્રવેણન્દ્રીય કામ કરતી જ હોય છે અને તેના સંબંધીઓ તેને શું કહેતા હોય એ સાંભળતો હોય છે!
વ્યક્તિ મૃત્યુના દ્વારે પહોંચી ગઇ હોય અને જીવનના અંતની ઘડીઓ ગણાતી હોય ત્યારે શરીરમાં એક પછી એક અંગ કામ કરતા બંધ થવા માંડે ત્યારે શરીરમાં શું થતું હોય તેનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સંશોધકોએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જીવનનો અંત નજીક આવી રહ્યો હોય અને વ્યક્તિ સૂઝબૂઝ (બેભાન અવસ્થા) ગુમાવી ચૂકી હોય એ વેળાએ પણ તેની શ્રવણેન્દ્રીય કામ કરતી હોય છે કે કેમ તેનો પહેલી વખત અભ્યાસ થયો છે. જીવન છોડીને મૃત્યુ તરફ આગળ વધી રહેલી વ્યક્તિનો અંતિમ ક્ષણે અભ્યાસ કરવા માટે દર્દીને ૬૪ ઇલેક્ટ્રોડ્સવાળી ટોપી પહેરાવવામાં આવી હતી, જેથી મગજમાં ચાલી રહેલા તરંગોની ગતિવિધિ માપી શકાય.
મગજના સિગ્નલ પારખવા માટે વિજ્ઞાનીઓએ તંદુરસ્ત યુવાઓના એક જૂથને જુદી જુદી પેટર્નવાળા અવાજ સંભળાવ્યા હતા. એ અવાજની મગજમાં કેવી પ્રતિક્રિયા થાય છે અને મગજમાં તેનાથી કેવા સિગ્નલ પેદા થાય છે, તેની નોંધ કરી હતી.
આ પછી હોસ્પિટલમાં રહેલા કેટલાક દર્દીઓ ઉપર પ્રયોગ કર્યો હતો. સંશોધકોએ દર્દી પ્રતિભાવ આપતા હોય કે ન આપતા હોય એવા બંને પ્રકારના દર્દીઓ ઉપર એ જ સિગ્નલની ચકાસણી કરી હતી અને એમાં જણાયું હતું કે બંને પ્રયોગોમાં મગજની ગતિવિધિ સરખી જ હતી! મતલબ કે અવાજ સાંભળીને યુવાનોના મગજમાં જે પ્રતિક્રિયા જોવા મળી હતી, એવી જ પ્રતિક્રિયા આ દર્દીઓના મગજમાં પણ જોવા મળી હતી.
મનગમતું સંગીત છેલ્લી ક્ષણે પણ પારખી લે?
આ રિસર્ચ પેપરના લેખક એલિઝાબેથ બ્લૂડોને જણાવ્યું હતું કે, જીવનદોરની પાતળી રેખા ઓળંગીને મૃત્યુ તરફ પગરણ માંડતી વ્યક્તિ તેનું મનગમતું સંગીત ઓળખી શકતી હોય તેવી પણ શક્યતા છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિને પોતાને પસંદ અવાજ સાંભળવો ગમતો હોય છે. આના પરથી એ વાતને સમજાવી શકાય કે મૃત્યુ પામી રહેલી વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિ પથારી નજીક આવીને કંઇ કહે તેની રાહ જોતી હોય છે. ઘણી વખત આપણે એવા દૃષ્ટાંત સાંભળતા હોઈએ છીએ કે પ્રિયજનનો અવાજ સાંભળતાની સાથે જ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિ આખરી વિદાય લઈ લેતી હોય છે. તો શું તે વ્યક્તિ પ્રિયજનનો અવાજ સાંભળવાનો સંતોષ લઈને વિદાય લેતી હશે?
જોકે આ પ્રશ્ન હજુ વણઉકેલ
જોકે આ અભ્યાસ દરમિયાન કેટલાક દર્દીઓમાં મગજની એક્ટિવિટી વધુ જટિલ જોવા મળી હતી. એ ખરું કે દર્દીઓના મગજના સિગ્નલોના આધારે એટલું જરૂર જણાયું કે તેઓ મોતની નજીક હોવા છતાં સાંભળી શકતા હતા, પરંતુ તેઓ એ બધું જ સમજી શકતા હતા કે કેમ એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
અંતિમ પળે માણસ સ્પર્શ - ગંધ પારખી શકે?
જીવનની અંતિમ પળ સુધી વ્યક્તિ સ્પર્શની નોંધ લેતી હોય છે કે કેમ એ જાણવા માટે પણ એક અભ્યાસ થયો હતો. જોકે એક વખત વ્યક્તિ બેભાન થઈ ગયા બાદ તે ગંધ કે સ્વાદને પારખી શકવા સમર્થ રહેતી નથી, એમ આ અભ્યાસના લેખક બ્લૂડોને જણાવ્યું હતું. તેઓ કહે છે કે આ દિશામાં હજુ વધુ અભ્યાસની પણ જરૂર છે. એ શક્ય છે કે સ્પર્શની કોઈ પ્રતિક્રિયા મગજમાં ચાલતી હોય તો તેની નોંધ લઈ શકાય, એ જ રીતે ગંધ કે સ્વાદને પણ પારખી શકે કે કેમ એ અંગે સંશોધન જરૂરી છે.