લંડનઃ અંધાપાનું જોખમ ધરાવતા હજારો-લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ઉગ્યું છે. તબીબી નિષ્ણાતોએ વિકસાવેલી આ દવા આંખોની રોશની વધારવામાં તેમજ દૃષ્ટિને નબળી પડતી અટકાવવામાં ઉપયોગી છે. બ્રોલુસિઝમેબ નામની આ દવાને વેટ એજ રિલિટેડ મેક્યુલર ડિટેરિયોરેશન (AMD)ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાની NHS દ્વારા મંજૂરી અપાઇ છે. નોંધનીય છે કે આ એક દર્દ વગરનો છતાં અસાધ્ય આંખનો રોગ છે, જે ૫૫થી મોટી વયના લોકોમાં અંધાપો લાવી શકે છે. અગાઉ અંધાપાના પ્રોગ્રેસને ધીમો કરવા માટે રોગથી પીડાતા લોકોને દર મહિને ઇન્જેક્શન લેવાની જરૂર પડતી હતી અને તેના માટે હોસ્પિટલમાં જવું પડતું હતું. જોકે નવી દવાનું ઇન્જેક્શન દરેક ૧૨ સપ્તાહે (ત્રણ મહિને) એક વખત લઇ શકાશે. કેટલાક કિસ્સામાં દર્દી ત્રણ મહિના કરતાં વધારે ગાળો પણ રાખી શકશે.
એક ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને બ્રોલુસિઝમેબ અપાઇ હતી, તેમાંથી એક તૃતિયાંશ દર્દીની આંખોની રોશનીમાં પ્રથમ ઇન્જેક્શન લીધાના ચાર મહિનાની અંદર જ નોંધપાત્ર સુધારો જોવાયો હતો. એજ રિલેટડ મેક્યુલર ડિટેરિયોરેશન અથવા AMD સાત લાખથી વધારે બ્રિટિશર્સને અસર કરી છે અને આ આંકડો વધી જ રહ્યો છે. આ રોગ માટે આનુવંશિક પરિબળ ઉપરાંત સ્મોકિંગ મુખ્ય જોખમી પરિબળો છે. ૬૫થી વધુ વયના દરેક ૨૦ લોકોએ એકને જ્યારે ૮૦થી વધુ વયના દરેક ૧૦ લોકોએ એકને આ રોગ છે.
દર્દીમાં ચહેરાને ઓળખવાની અક્ષમતા કોમન
AMDના બે પ્રકાર છેઃ વેટ અને ડ્રાય. જ્યારે આપણને જોવા માટે સક્ષમ બનાવતી આંખની પાછળની બાજુ, મેકયુલામાં શેલ્સ ખરાબ થવા લાગે છે ત્યારે વ્યક્તિને આ રોગ થાય છે. જેમાં દર્દીઓ સેન્ટ્રલ વિઝન અને સુવિધાઓ સમજવાની ક્ષમતા ગુમાવે છે. જોકે પેરિફેરલ વિઝન સામાન્ય જળવાય રહે છે. મતલબ કે દર્દી એક ઘડિયાળની આઉટલાઈન જોઈ શકે છે, પરંતુ સમય કેટલો થયો તે જાણી શક્તો નથી. ચહેરાને ઓળખવાની અક્ષમતા પણ આ રોગમાં કોમન જોવા મળે છે.
AMD સામાન્ય રીતે બંને આંખને અસર કરે છે. જોકે, બંને આંખના તેજમાં ઘટાડો થવાના મામલે તેમાં તફાવત હોય છે. કુલ ૧૦ કેસમાંથી ૯ કેસ ડ્રાય AMDના હોય છે. જોકે આના માટેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેની પણ કોઈ સારવાર ઉપલબ્ધ નથી, પરંતુ તેને સામાન્ય રીતે વેટ AMDની સરખામણીએ ઓછું ગંભીર ગણવામાં આવે છે.
વેટ AMD સાથે આંખોમાં પ્રોટીનમાં વધારો થાય છે જે નવીન રક્તવાહિનીઓમાં વૃદ્ધિને પ્રમોટ કરે છે તેને વાસ્ક્યુલર એન્ડોથેલીઅલ ગ્રોથ ફેક્ટર (VEGF) કહેવામાં આવે છે. જોકે આંખોમાં તેના વધારે પડતાં સરક્યુલેશનના કારણે તે રેટિનાની નીચે નાની અસામાન્ય રક્તવાહિનીઓની વૃદ્ધિને ટ્રિગર કરે છે. જો આ બીમારીની યોગ્ય સારવાર કરવામાં ના આવે તો કાયમી અંધાપો આવી શકે છે.
એન્ટિ VEGF દવા વેટ AMD માટે ખૂબ જ ફાયદાકારક
બ્રોલુસિઝમેબ તેની બ્રાન્ડનેમ બીઓઉ તરીકે પણ ઓળખાય છે. તે VEGFને બાંધે છે અને અસામાન્ય રક્તવાહિનીઓનો વૃદ્ધિને અટકાવે છે. એન્ટિ VEGFદવા તરીકે ઓળખાતી દવા સૌથી નવી છે. ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને આ દવા અપાઇ હતી, તેમાંથી બે-તૃતિયાંશ દર્દીઓના વિઝનમાં છ મહિના દરમિયાન સુધારો થયો હતો અને તેની અસર આશરે બે વર્ષ સુધી રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
બ્રોલુસિઝમેબ દવાની ટ્રાયલ સાથે સંકળાયેલા અને બ્રેડફર્ડ ટીચિંગ હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના આઇ સર્જન ફારુકી ઘાંચી કહે છે કે અંધાપાને રોકવાના મોરચે એન્ટી VEGF દવા વેટ AMD માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. બ્રોલુસિઝમેબ સાથે દર્દીને પ્રથમ ત્રણ મહિના માટે દરેક મહિને સ્ટાર્ટર ડોઝ લેવો પડે છે.
તે પછી દરેક ત્રણ મહિને એક વારનું શિડ્યુલ રહેશે. જો દર્દી પર તેની સારી અસર જણાય તો આ શિડ્યુલને વધારે લંબાવી શકાય છે. ઇન્જેક્શન આપતાં પહેલાં આંખના ડોળા પર એનેસ્થેટિક ડ્રોપ એપ્લાય કર્યા પછી નીડલના માધ્યમથી દવાને સીધી વિટ્રિયસ જેલીમાં ડિલિવર કરી દેવાય છે. ડો. ઘાંચી કહે છે કે સાંભળવામાં આ વાત થોડી અયોગ્ય જણાય છે અને પેશન્ટ પણ અસ્વસ્થ થાય છે, પરંતુ પછી તેને ખબર પડે છે કે તે કેટલું સરળ છે.