વોશિંગ્ટનઃ જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત થયું છે, જેમાં જણાવ્યું છે કે અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત હૃદયસંબંધી બીમારીઓ થવાનું જોખમ પણ ઓછું રહે છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ સંશોધન કર્યું છે. અખરોટમાં ઓમેગા-૩ નામનું તત્વ હોય છે, જેને આલ્ફા લિનોલેનિક એસિડ કહે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેનો બ્લડપ્રેશર પર લાભકારક અસર થાય છે. આ માટે સંશોધકોએ ૩૦થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચેના ૪૫ લોકો પર અધ્યયન કર્યું હતું. આ લોકોને ત્રણ અલગ અલગ પ્રકારના ડાયેટ આપવામાં આવ્યા હતા. એકમાં માત્ર અખરોટ, બીજામાં અખરોટ ન હતા પરંતુ તેમાં એએલએ અને અનસેચયુરેટેડ ફેટી એસિડ સામેલ હતા. તો ત્રીજા પ્રકારના ડાયેટમાં અખરોટ ન હતા પરંતુ આંશિક રૂપથી એલએ અને ફેટી એસિડ હતા. છ અઠવાડિયા સુધી આ ડાયેટ અપાયું હતું. આ સમયગાળા દરમિયાન લોકોના સ્વાસ્થ્યનું અવલોકન કરાયું હતું. સંશોધકોએ જણાવ્યું કે જે લોકોએ અખરોટવાળું ડાયેટ લીધું હતું તેવા લોકોમાં અન્ય લોકોની સરખામણીમાં બ્લ્ડપ્રેશર નિયંત્રણમાં અને હૃદયસંબંધી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો.