વધારે ઊંચા પોષણ મૂલ્યને કારણે અખરોટને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે. અખરોટ શરીરને જરૂરી માત્રામાં હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. અમેરિકાના એક સંશોધનમાં એવું માલૂમ પડ્યું છે કે, નિયમિત અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ અત્યંત ઝડપી બને છે. અખરોટ ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો થાય છે. તેમજ તે આંતરડાને પણ સારી હાલતમાં જાળવી રાખે છે. તાજેતરના અભ્યાસમાં એવું બહાર આવ્યું કે અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ સારી રીતે ચાલી શકે છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને પોલિફિનોલ્સ હોય છે જે સ્ટ્રેસ અને દાહને દૂર કરવામાં મદદ કરે છે. આ સ્ટડી અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ થઈ હતી. સંશોધકોને એવું માલૂમ પડ્યું કે નિયમિત ધોરણે અખરોટ ખાવાથી શરીર તંદુરસ્ત હાલતમાં રહે છે. સંશોધકોએ બે ભાગમાં થોડા વૃદ્ધોને વહેંચી નાખ્યા હતા અને તેમને નિયમિત રીતે અખરોટ ખાવાની સલાહ અપાઈ હતી. લગભગ બે મહિનાના અંતે સંશોધકોએ નોંધ્યું કે જે લોકોએ નિયમિત અખરોટ ખાધા હતા તેમનું મગજ અત્યંત ઝડપી ગતિએ કામ કરી રહ્યું હતું અને શરીર પણ પ્રમાણસર તંદુરસ્ત રહ્યું હતું. અભ્યાસને અંતે સશોધકોએ જણાવ્યું કે રોજના ચાર અખરોટ ખાવથી કેન્સર, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર રાખી શકાય છે. સાથે સાથે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.