વોશિંગ્ટનઃ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી. જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે. શરીર એક એવું મશીન છે કે ૨૪ કલાક કાર્યરત રહે છે. જ્યારે વ્યક્તિ ઊંઘતો હોય ત્યારે પણ એનું મગજ જાગૃત અવસ્થામાં હોય છે અને શ્વાસોશ્વાસ, રુધિરાભિસરણ અને મેટોબોલિઝમ (ચયાપચય)ની ક્રિયા સહિતની ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે. આથી જ શરીરને જાગૃત અવસ્થામાં કસરતની જરૂર છે. કસરત કરવાથી માણસને ઊંઘ સારી આવે છે અને શરીરની સિસ્ટમ સારી રીતે કામ કરતી રહે છે. સારી ઊંઘ ધરાવતા વ્યક્તિનું માનસિક સંતુલન સારું રહે છે. કસરતથી આખા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ સિવાય કાર્ડિયો વેસ્ક્યુલર કસરત કરનારા લોકોમાં હાર્ટના રોગ થતા નથી અને પક્ષઘાતનો હુમલો આવવાનું રિસ્ક પણ ઘણું ઘટી જાય છે. અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવા માટે ટાઇમટેબલ બનાવવાની જરૂર છે. વીકમાં બે વાર ૪૦ મિનિટ ચાલવું જોઈએ. બે વાર ૨૦ મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ. ૩૦ મિનિટ માટે કોઈ રમત અવશ્ય રમવી જોઈએ.