વધુ પડતો મેન્ટલ સ્ટ્રેસ - અતિશય માનસિક તણાવ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તે આંખોની રોશની પણ છીનવી શકે છે. એક રિસર્ચ અનુસાર તણાવથી ગ્લૂકોમા, વિઝન લોસ ઉપરાંત આંખોથી જોડાયેલી અનેક સમસ્યાનો ખતરો વધી જાય છે. સૌથી વધુ આંખ નબળી થવાનું જોખમ હોય છે.
2040 સુધીમાં ગ્લુકોમાના 11 કરોડ દર્દી
તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 2040 સુધી દુનિયાભરમાં ગ્લૂકોમાના દર્દીઓની સંખ્યા વધીને 11 કરોડની આસપાસ પહોંચી જશે. વાસ્તવમાં, નિરંતર તણાવથી ઓટોનોમિક નર્વ્સ સિસ્ટમમાં અંસુતલન અને વાસ્ક્યુલર ડિરેગ્યુલેશનને કારણે નેત્ર અને મગજ પર નકારાત્મક અસર પડે છે.
તણાવને કારણે આંખમાં મુશ્કેલી
સંશોધકો પ્રમાણે ઇન્ટ્રાઓક્લુયર પ્રેશરમાં વૃદ્વિ, એન્ડોથેલિયલ ડિસફંક્શન (ફ્લેમર સિન્ડ્રોમ) અને સોજો, તણાવના કેટલાક એવા પરિણામ છે જેનાથી વધુ નુકસાન થાય છે. આંખોની નસ અને બ્લડ વેસલ્સ કોર્ટિસોલ નામના હોર્મોનથી પ્રભાવિત થાય છે, જે આંખોને અસર કરે છે. આપણે જ્યારે તણાવમાં હોઇએ છીએ ત્યારે આંખોની અંદર રહેલા ફ્લુઇડમાં તણાવ વધવાની સાથે દબાણ વધે છે, જેનાથી બ્લડ વેસલ્સ સુકાઇ જવાનો ખતરો વધે છે જે આંખોમાં થનારી અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ હોય છે. જો કોઇ વ્યક્તિની આંખોની સારવાર ચાલતી હોય અને ત્યારે એ વ્યક્તિ વધુ તણાવમાં હોય તો આંખને સાજી થવામાં વધુ સમય લાગે છે.
સાતથી આઠ કલાક ઊંઘ લો
જો કોઈ વ્યક્તિનો આંખનો ઈલાજ ચાલી રહ્યો છે તો આ દરમિયાન આ વ્યક્તિ વધુ તણાવ લે છે તો તેમની આંખને સરખી થવામાં સમય લાગે છે. ઓછામાં ઓછી સાત-આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. ઊંઘ પુરી ન થવાને કારણે પણ તણાવ વધી શકે છે, જેના કારણે આંખને નુકસાન થાય છે.
તો ગ્લુકોમા થવાનું જોખમ 11 ટકા વધારે
સમયસર ઊંઘ કરતા લોકોની સરખામણીમાં નસકોરાં બોલતાં હોય તેમજ દિવસના ઊંઘ કરવાની આદત હોય તેવા લોકોમાં ગ્લુકોમાનું જોખમ 11 ટકા વધારે જોવા મળે છે. અનિદ્રા અને ટૂંકી અથવા લાંબી ઊંઘ ધરાવતા લોકોમાં આ જોખમ 13 ટકા વધે છે. વ્યક્તિનો સ્વભાવ, શીખવાની ક્ષમતા અને યાદશક્તિ પર પણ અસર પડે છે.
ગ્લુકોમા થવાનું કારણ
• વધતી ઉંમરઃ ઝામરના મોટા ભાગના દર્દીઓ વૃદ્ધ જ હોય છે. 60 વર્ષથી વધુના લોકોમાં આ બીમારી સામાન્ય છે. ગ્લુકોમા થાય ત્યારે વૃદ્ધ લોકોની આંખોની દૃષ્ટિ પણ જઈ શકે છે.
• જેનેટિક્સઃ કેટલાક લોકોમાં આ બીમારી આનુવંશિક પણ હોઈ શકે છે. મતલબ કે જો તમારા પરિવારમાં કોઈને ગ્લુકોમા થયું હોય તો તમને પણ તે થવાનું જોખમ રહે છે.
• આંખોની સમસ્યાઃ માયોપિયા (એક એવી સ્થિતિમાં જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની નહીં)ની સમસ્યા પણ વૃદ્ધાવસ્થામાં ગ્લુકોમાનું કારણ બની શકે છે.
• ડાયાબિટીસઃ આ બીમારી પણ ઝામરનું કારણ બની શકે છે. આથી હંમેશાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ.
• હાઈપરટેન્શનઃ હાઇપરટેન્શનથી પણ ગ્લુકોમા થવાનું જોખમ વધે છે. હૃદય સંબંધિત બીમારીઓથી બચીને ગ્લુકોમાથી બચી શકાય છે.
• દવાઓઃ ઘણી બધી દવાઓ એવી છે જે ગ્લુકોમાનું જોખમ વધારી શકે છે. આથી હંમેશાં ડોક્ટરની સલાહ પર જ દવાઓ લેવી.