હેલ્ધી અને ન્યુટ્રિશ્યસ ફૂડના લિસ્ટમાં આજકાલ આલ્ફાલ્ફાનું નામ બહુ ગાજ્યું છે. નાનાં બાળકો માટે, ટીનેજરો માટે, પ્રેગ્નન્સીમાં, મેનોપોઝ કે વૃદ્ધાવસ્થા; કુદરતી ઉપચારકો જ નહીં, મોડર્ન ડાયેટિશ્યનો પણ આલ્ફાલ્ફાનાં ગુણગાન ગાતાં થાકતા નથી. જોકે કેટલાય લોકો આ ચીજ શું છે એ નથી જાણતા. આલ્ફાલ્ફાનું ગુજરાતી નામ છે રજકો. રાઈ, જીરુંથી સહેજ મોટી સાઇઝનો દાણો પોષક તત્વોથી ભરપૂર છે ને એટલે હાડકાં, હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ, આંતરિક ઇન્ફેક્શન કે નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી કોઈ પણ સમસ્યામાં તારણહાર બની શકે છે. ટ્રેડિશન ચાઇનીઝ મેડિસિનમાં પાચન અને કિડનીની સમસ્યા માટે આલ્ફાલ્ફાના દાણાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું નોંધાયું છે. તો આવો આજે જોઈએ આલ્ફાલ્ફા છે શું? અને એનો ઉપયોગ કઈ રીતે થાય?
આલ્ફાલ્ફામાં પોષક તત્વો
આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં મળે છે. વિટામિન-ડી, વિટામિન-કે અને વિટામિન-બી૧૨ પણ મળે છે. આ બે એવાં પોષક તત્વો છે જે વેજિટેરિયન્સને આના સિવાય માત્ર દૂધમાંથી જ મળે છે. દૂધમાં જે પ્રકારે ભેળસેળ થતી રહે છે તે જોતાં એ પણ મળતાં હશે કે કેમ એ સવાલ છે ત્યારે આલ્ફાલ્ફા એ બેસ્ટ વિકલ્પ છે.
ફણગાવેલો રજકો
પહેલાંના જમાનામાં તો કોઈ પણ કરિયાણાની દુકાને ઢંઢેરે પિટાતો રજકો હવે થોડોક મોંઘો થઈ ગયો છે. ધારો કે નાની દુકાનેથી ન મળે તો મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી તો એ જરૂર મળી જશે. આહારમાં સમાવવા માટે એને ફણગાવીને લેવાનું બેસ્ટ માનવામાં આવે છે. મગ, મઠ, ઘઉંની જેમ આ રજકાને પણ ચાર-પાંચ કલાક પલાળીને કપડામાં બાંધીને ફણગાવી લેવા. આ કઠોળમાં એના દાણા કરતાં ડબલ લાંબા ફણગા ફૂટે છે ને એમાં જ ભરપૂર પોષક તત્વો સમાયેલાં છે. કહેવાય છે કે ફણગાવવાથી કઠોળનાં વિટામિન્સ બેવડાય છે. આ ફણગાવેલા આલ્ફાલ્ફાને રોજ દોઢથી બે ચમચી કાચા જ ચાવી જવાથી ઉત્તમ ફાયદો મળે છે.
આલ્ફાલ્ફા ટી
રજકાની સીધી રાબ તો ન બનાવી શકાય, પણ એનાં સૂકવેલાં પાન તૈયાર મળે છે. જેમ લીલી ચા ઉકાળવામાં આવે છે એ જ રીતે આ આલ્ફાલ્ફાનાં લીલાં કે સૂકાં પાનને ઉકાળીને એની ચા બનાવવામાં આવે છે. આર્થ્રાઇટિસ, કિડની કે મૂત્રાશયની તકલીફ હોય તો આ ચા ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીસના દરદીઓ પણ નિયમિત આ ચા પીએ તો શુગર લેવલમાં ફરક પડે છે.
ચીજ એક, ફાયદા અનેક
• કોલેસ્ટરોલ ઘટાડે: એમાં રહેલું ફાઇબર અને વિશિષ્ટ કેમિકલ્સ લોહીમાંના કોલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખે છે. એને કારણે રક્તવાહિનીઓની દીવાલ જાડી થઈને સાંકડી થતી અટકે છે. હાર્ટ-ડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે.
• ડાયાબિટીસ અને બ્લડશુગર કન્ટ્રોલ: એમાં મેન્ગેનીઝનું પ્રમાણ વધુ છે ને એને કારણે જ્યાં સુધી લોહીમાં ગ્લુકોઝ હોય ત્યાં સુધી ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતર થવાની ક્રિયાને એ નિયંત્રિત કરવામાં સારોએવો ભાગ ભજવે છે. બ્લડમાં શુગરનું લેવલ નિયંત્રણમાં રહેતું હોવાથી ડાયાબિટીસની શક્યતાઓ ઘટે છે ને જો ઓલરેડી હોય તો શુગર-લેવલ કન્ટ્રોલમાં રહે છે. જોકે આ બધાની સાથે પ્રાથમિક ડાયટની કાળજી રાખવી મસ્ટ છે.
• ડિટોક્સિફાઇંગ અસર: જે લોકોને નિયમિત એમાક્સુસિલિન, જેન્ટામાઇસિન કે સ્ટ્રેપ્ટોમાઇસિન જેવી એન્ટિબાયોટિક્સ રેગ્યુલર લેવી પડે એમ છે એ લોકો માટે આલ્ફાલ્ફા ઉત્તમ છે. આ દવાઓને કારણે થતી આડઅસર અને ઝેરી દ્રવ્યોને શરીરની બહાર ફેંકી દેવા માટે જરૂરી વિટામિન-કે આ ફણગાવેલા કઠોળમાંથી મળી રહે છે. એટલું જ નહીં, કોલેસ્ટરોલ, વાઈની દવાઓ કે સ્ટેરોઇડની આડઅસરો પણ ઘટાડે છે. રોજ એક વાર બે ચમચી ફણગાવેલાં કઠોળ અને એક કપ આલ્ફાલ્ફા ટી લેવાથી દવાઓની ઝેરી અસર ઘટે છે અને શરીર ટોક્સિન્સમુક્ત થાય છે.
• હાડકાં અને વિકાસ: બાળકોમાં જ્યારે વિકાસની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં ખનીજતત્વોની જરૂરિયાત વધી જાય છે. ફણગાવેલા આલ્ફાલ્ફા આ માટે ઉત્તમ છે. નવજાત શિશુને આઠ-નવ મહિના પછી બહારનું ભોજન આપવાનું શરૂ થાય ત્યારે ફણગાવેલો રજકો સૂકવી, દળીને એના પાઉડરની રાબ બનાવીને પિવડાવવાથી ફાયદો થાય છે.
• મેનોપોઝ: રજોનિવૃત્તિના આ સમયમાં શરીરને એક્સ્ટ્રા કેલ્શિયમ, ફૉસ્ફરસની જરૂર પડે છે. હાડકાં નબળાં થતાં અટકે એ માટે તેમ જ મૂડમાં આવતાં પરિવર્તનો કાબૂમાં રહે એ માટે ફણગાવેલો રજકો ખૂબ ઉપયોગી છે.