ન્યૂ યોર્કઃ જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય એવા લોકો ચિતભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાના ભોગ બનતા હોવાનું એક સંશોધન સમીક્ષામાં જણાવાયું છે. સંશોધકોએ આ પહેલાં થયેલા નોર્થ અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં આધેડ અને વૃદ્વોની માનસિક હાલત ઉપર ઊંઘની અસર ઉપર અગાઉ થયેલા ૫૧ અભ્યાસોના ડેટા તપાસ્યા હતા. જે લોકો અનિદ્રાથી પીડાતા હોય તેઓમાં માનસિક રોગ વિકસે એવી સંભાવના ૨૭ ટકા વધુ હોય છે. સંશોધકોને એ પણ જણાયું છે કે જે લોકોને અપૂરતી ઊંઘ આવતી હોય, એવા લોકોમાં ચિતભ્રમ પેદા થવાનું જોખમ ૨૫ ટકા વધે છે.
જર્નલ ઓફ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી એન્ડ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત આ અભ્યાસના અહેવાલ મુજબ કથિત અપૂરતી ઊંઘ કે પથારીમાં પડખાં ઘસતા રહેવાને કારણે માનસિક અવસ્થાતાનું જોખમ ૨૪ ટકા વધી જતું હોય છે. આ અભ્યાસના લેખક ચીનની કિંગડાઓ યુનિવર્સિટીના ડો. વેઇ ઝુએ જણાવ્યું હતું કે આ તારણથી ચિત્તભ્રમની સમસ્યાને રોકવા માટે ઊંઘનું મેનેજમેન્ટ ઉપયોગી સાબિત થાય એમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસ ઊંઘની સમસ્યા સીધી કે પરોક્ષ રીતે કેટલી અને કઇ રીતે ચિત્તભ્રમ કે માનસિક બીમારીઓને લાવે છે તે જાણવાનો નહોતો એ માટે તો અન્ય કારણો પણ સંભવ છે. ડો. ઝૂએ જણાવ્યું હતું કે ઊંઘની સમસ્યાને પગલે મગજ તથા કરોડરજજૂ સહિત કેન્દ્રીય ચેતાતંત્રમાં દાહ પેદા કરીને માનસિક અસ્વસ્થતા પેદા કરી શકે છે.