ચંદીગઢઃ પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત બાળક પર સફળતાપૂર્વક રોબોટિક સર્જરી કરીને તેને નવજીવન બક્ષ્યું છે.
બે દિવસનું આ બાળક અન્નનળી વિના જ જન્મ્યું હોવાથી તેને કોઈ પણ જાતનું દૂધ કે ફીડિંગ આપી શકાય તેમ નહોતું. આથી પીડિયાટ્રિશ્યન્સે બાળકની રોબોટિક સર્જરી કરી. આવું ઓપરેશન કરનારી તે વિશ્વની સૌપ્રથમ હોસ્પિટલ બની છે. દોઢ કિલોગ્રામ વજન ધરાવતા આ બાળકને જન્મથી જ અન્નનળી નહોતી. ગંભીર સ્થિતિમાં બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યું અને તેની અન્નનળી બનાવવાનો નિર્ણય લેવાયો. સામાન્ય રીતે આવા કેસમાં ઓપન અને લોપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે, પરંતુ આ કેસમાં તબીબોએ રોબોટિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. બાળકના પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે અને ઘરની આર્થિક સ્થિતિ અત્યંત સાધારણ છે. તેથી બાળકની ટ્રિટમેન્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી.