નવી દિલ્હીઃ કોરોનાની એક પછી એક વેક્સિનને મંજૂરીના ધમધમાટ વચ્ચે ભારતે વિશ્વમાં સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. જોકે આ છતાં તેના દ્વારા દેશની ફક્ત ૫૯ ટકા વસતીનું જ વેક્સિનેશન કરી શકાશે. અમેરિકાની ડયુક યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં અમીર દેશો અને વિકાસશીલ દેશો દ્વારા વેક્સિનની ખરીદીમાં મોટો તફાવત હોવાનો ઉલ્લેખ કરાયો છે. અમીર દેશોએ તેમની વસતીને સંખ્યાબંધ વાર કોરોનાની રસી આપી શકાય તેટલી મોટી સંખ્યામાં ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે, જેની સામે મધ્યમ અને નિમ્ન કક્ષાની આવક ધરાવતા દેશો તેમની વસતીને એક વાર પણ રસી આપી શકશે કે કેમ તે સવાલ છે. ડેટા દર્શાવે છે કે કોરોનાની વેક્સિનનો મોટા ભાગનો સ્ટોક અમીર દેશો પાસે ચાલ્યો જશે. અમીર દેશોએ એટલી મોટી સંખ્યામાં એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે કે ગરીબ દેશો માટે વેક્સિન ઉત્પાદક કંપનીઓ પાસે સ્ટોક ઉપલબ્ધ જ નહીં રહે. ડોઝની સંખ્યાના સંદર્ભમાં ભારતે સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે. ભારત બાદ યુરોપિયન યુનિયને ૬ અલગ અલગ કંપનીની કોરોના રસીના ૧૩૬ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે. અમેરિકાએ ૧૧૦ કરોડ ડોઝ બુક કરી રાખ્યાં છે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળના કોવેક્સ ગ્રૂપ, કેનેડા અને બ્રિટનનો નંબર આવે છે. કેનેડાની વાત કરીએ તો તેણે તેની કુલ વસતીને પાંચ કરતાં વધુ વખત રસી આપી શકાય તેટલા ડોઝ બુક કરાવી રાખ્યાં છે. કેનેડાએ ૬૦૧ ટકા, બ્રિટને ૪૪૩ ટકા, ઓસ્ટ્રેલિયાએ ૨૬૬ ટકા અને યુરોપિયન યુનિયને ૨૪૪ ટકા વસતીને આવરી લેવાય તેટલાં ડોઝ બુક કરાવી રાખ્યા છે. વિકાસશીલ દેશોની વાત કરીએ તો ભારતે તેની કુલ વસતીના ૫૯ ટકા, મેક્સિકોએ ૮૪ ટકા, બ્રાઝિલે ૪૬ ટકા, કઝાખસ્તાને ૧૫ ટકા અને ફિલિપાઇન્સે ૧ ટકા વસતીને આવરી લેવાય તેટલાં ડોઝ બુક કરાવી રાખ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બધા દેશોને વસ્તીના સરખા પ્રમાણમાં કોરોનાની રસી ઉપલબ્ધ થાય તે માટે એક સંગઠનની રચના કરી છે. તેમ છતાં અમીર દેશોએ પોતાની રીતે મોટી સંખ્યામાં વેક્સિનના ડોઝને એડવાન્સ બુકિંગ કરાવીને સમગ્ર આયોજન ખોરવી નાંખ્યું છે.