લંડન:અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા કેળવી લીધી છે. ઉત્પાદનના આ નવા આંકડાઓમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશો માટેના ૪૦૦ મિલિયન ડોઝનો સમાવેશ પણ થાય છે. જે આ દેશોને આ વર્ષના અંત પૂર્વે પુરા પાડવામાં આવશે. યુકે સ્થિત કંપની એસ્ટ્રાઝેનેકાએ જાહેર કર્યું હતું કે તેમણે રસીને લગતાં બીજા બે સોદા કર્યા છે. જેમાં ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ધ કોએલિએશન ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ એન્ડ ઇનોવેશન અને ગાવી ધ વેક્સિન એલાયન્સ સાથે ૩૦૦ મિલિયન ડોઝનું ઉત્પાદન કરવા માટે ૭૫૦ મિલિયન ડોલરનો સોદો કરવામાં આવ્યો છે. હાલ બ્રિટનમાં આ રસીનો ૧૦,૦૦૦ સ્વયંસેવકો પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
બીજો સોદો ભારતની સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા સાથે કરાયો છે, જેમાં ગરીબ દેશો માટે એક બિલિયન ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાંથી ૪૦ ટકા ડોઝ ૨૦૨૦ના અંત પહેલાં આવી જશે. એસ્ટ્રાઝેનેકાના સીઇઓ પાસ્કલ સોઇરોટે જણાવ્યું હતું કે સંશોધકો પાસે આ રસી સલામત અને અસરકારક છે કે કેમ તે નક્કી કરવા સપ્ટેમ્બર સુધીમાં તેમની પાસે પૂરતો ડેટા હશે. અમે આ રસીનું ઉત્પાદન હાલ કરવા માટે તૈયાર છીએ, જેથી જ્યારે અમારી પાસે ટેસ્ટના પરિણામો આવે ત્યારે રસી તૈયાર હોય.
કોરોનાની રસી વિકસાવી ફાર્મા કંપનીઓએ નફો રળવાની દૃષ્ટિ રાખવી જોઇએ કે કેમ તે બાબતે ચર્ચા થઇ રહી છે. સોઇરોટે જણાવ્યું હતું કે આપણે ઘણી રસીની જરૂર છે. એક રસી પૂરતી થઇ રહે તેમ નથી. અમે બધાં આ
ભયંકર મહામારીનો અંત લાવવા માટે રસી વિકસાવી રહ્યા છીએ.