અનીતા એક માર્કેટિંગ ફર્મમાં એડવાઇઝર છે. હાલ પતિ સુજીત ચક્રવર્તી અને ત્રણ સંતાનો સાથે ઘરમાં છે. ઘરમાં બાળકોએ અનીતાને ‘ટીચર અનીતા’ કહેવાનું શરૂ કરી દીધું છે. કંઇ પણ કહેવામાં આવે એટલે બાળકો ચીડાઇ જાય છે અને કંઇ માનતા પણ નથી. અનીતા કહે છે, ‘હજુ તો થોડાક દિવસ જ થયા છે, આગળ ન જાણે શું થશે?’
અમેરિકામાં લોકડાઉનના ગણતરીના દિવસોમાં લગભગ બધા ઘરોમાં આ જ સ્થિતિ છે. સાથે રહેવા મજબૂર પરિવારોમાં ડિપ્રેશન અને ચીડિયાપણું વધી રહ્યા છે. બાળકો મા-બાપનું કહ્યું માનતા નથી અને ભાગી જવા માગે છે. જે પેરન્ટ્સ ઘરેથી કામ કરી રહ્યા છે તેમની તકલીફ વધારે છે. મોટા ભાગના પેરન્ટ્સ માટે આ લોકડાઉન એક પ્રકારના કેબિન ફીવરમાં ફેરવાઇ ગયું છે. જોકે, લોકડાઉનની સુખદ બાજુ પણ છે. જે કપલ્સ ડિવોર્સ લેવા ઇચ્છતા હતા તેઓ હવે સાથે છે. રૂમમેટ્સ જ ફેમિલી બની ગયા છે. લોકો ઘરમાં ભેગા મળીને રહે છે, કિચનમાં તથા ઘરના અન્ય કામોમાં મદદ કરી રહ્યા છે.
બાળકો વેચવાના છે, તદ્દન નવા છે!
ઘરમાં કેદ કેટલાક અમેરિકનો એવા પણ છે કે જેઓ બાળકોથી પરેશાન થઇને સોશિયલ મીડિયા પર ‘બાળકો વેચવાના છે, તદ્દન નવા છે’ જેવા જોક્સ પોસ્ટ કરી રહ્યા છે. લોસ એન્જેલ્સના ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ જેનિફર જોન્સ્ટન જોન્સ કહે છે, ‘આ સ્થિતિમાં બાળકોમાં ગેરવર્તણૂક, અવહેલના અને મજાક ઉડાવવાની આદત વધી રહી છે.’
કેલિફોર્નિયામાં પ્રાઇવસી સ્પેશ્યાલિસ્ટ સબરીના બેનાસયાના ચાર સંતાન છે, જેમની ઉંમર બે વર્ષથી માંડીને દસ વર્ષની વચ્ચે છે. સબરીનાએ બોસવિક નામથી પરફોર્મ કરતા કોમેડિયન ડેવિડ મેગિડસનને ગયા અઠવાડિયે બાળકો માટે હાયર કર્યા હતા, જેથી તેઓ ફેસટાઇમ દ્વારા બર્થ-ડે શો કરી શકે. ઘણા પરિવારોએ ફેમિલી કોચની મદદ પણ લીધી છે.
જે પરિવારોમાં મોટા બાળકો છે તેમને થોડી રાહત છે. મેનહટ્ટનમાં રહેતી હોલી વોકર એક રિઅલ એસ્ટેટ કંપનીમાં સિનિયર એનાલિસ્ટ છે. ક્વોરેન્ટાઇન માટે પેરન્ટ્સ પાસે વિલિસ્ટન પહોંચી ગઇ છે, જ્યાં તેની બે બહેન પણ છે. ચાર રૂમના ઘરમાં કિચન અને લિવિંગ રૂમને તેણે મોબાઇલ ઓફિસ બનાવી લીધી છે. ઘરમાં નાના બાળકો નથી. પૂરો પરિવાર સાથે છે અને બધા લોકડાઉનને ઇમરજન્સી ફેમિલી મીટિંગ માની રહ્યા છે. ઘરમાં બધાએ કામ વહેંચી લીધા છે.
ટૂંકમાં કહીએ તો, લોકડાઉન તો હજુ રહેવાનું જ છે, આ સમયને તમે કઇ રીતે પસાર કરો છો તે મહત્ત્વનું છે.