લાસ વેગાસઃ અમેરિકાના લાસ વેગાસમાં ૨૦૧૩માં ગંભીર એલર્જિક રિએક્શનના કારણે એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર થયેલી એક યુવતીના પરિવારને ૨.૯૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨૨૦ કરોડ)નું વળતર ચૂકવવા જ્યુરીએ આદેશ કર્યો છે.
લાગ વેગાસના ‘રિવ્યુ જર્નલ’માં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર ૨૭ વર્ષીય ચેનટેલ જિયાકલાને પીનટ બટરની સાથે કંઈક લીધું હતું, જેના કારણે તે એક કોમામાં સરી પડી હતી. ચેનટેલ જિયાક્લાનના વકીલ ક્રિશ્ચિયન મોરિસે કહ્યું કે મેડિકવેસ્ટ એબ્યુલન્સ સર્વિસ એ દિવસોમાં મેડિસિન સેન્ટર ચલાવી રહી હતી, જેમાં સારવારની કેટલીક મિનિટો બાદ ચેનટેલના મસ્તિષ્કમાં ઓક્સિજન પહોંચવાનો બંધ થઈ ગયો હતો. કેસની સુનાવણી દરમિયાન વકીલ મોરિસે દલીલ કરી કે મેડિકવેસ્ટ એબ્યુલન્સની બેદરકારીના કારણે ચેનટેલના મસ્તિષ્કમાં બીમારી પેદા થઈ હતી. તેમણે કોર્ટમાં એમ પણ કહ્યું કે, ચેનટેલે આ દિવસોમાં કોઈ પ્રકારની એલર્જી પેદા થાય એવી મેડિસિન પણ લીધી નહોતી. તેમણે જ્યુરી સમક્ષ કહ્યું કે અમારી દર્દીને ૨.૪૨ કરોડ ડોલર જેટલો દવાનો ખર્ચ થયો છે, પરંતુ મેડિકલ ખર્ચ ઉપરાંત ભાવનાત્મક પીડાથી થયેલા નુકસાન પેટે ૬૦ મિલિયન અમેરિકી ડોલરનું વધારાનું વળતર આપવું જોઈએ.