વોશિંગ્ટન:અમેરિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના દર્દીઓ માટે એવો રેપિડ બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે, જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ દિવસમાં જણાવી દેશે કે કોની હાલત વધુ ગંભીર બની શકે છે અને ક્યા દર્દી પર મોતનું જોખમ મંડરાય રહ્યું છે. આ થિયરી ડોકટરોને કોરોના દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી બનશે.
એક મેડિકલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે આ ટેસ્ટમાં મિટોકોન્ડ્રીયલ ડીએનએના લેવલને માપી શકાશે, જે સામાન્ય રીતે સેલના ઊર્જા કેન્દ્રમાં અંદર પડયા રહે છે. સેન્ટ લુઇસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસીન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, મિટોકોન્ડ્રીયલ ડીએનએ સેલમાંથી નીકળે છે અને એ દર્શાવે છે કે શરીરમાં અત્યંત ઘાતક સેલ આકાર પામી રહ્યો છે જે દર્દીનો જીવ લઇ શકે છે.
રિપોર્ટના સહ-લેખક એન્ડ્રૂ ગેલમેન કહે છે કે આપણે એ જાણવું જરૂરી હોય છે કે કેટલા દર્દીઓ ઇન્ટેન્સિવ કેર સિવાય પણ સાજા થઇ શકે છે. આપણે એ જાણવું જરૂરી હોય છે કે ઉંમર કે પછી અન્ય ગંભીર બીમારી જેવા ક્યા કારણસર દર્દી પર મોતનું જોખમ વધુ છે. અમને રેપિડ બ્લડ ટેસ્ટ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ટીશ્યુને થતું નુકસાન પણ મોતનું એક કારણ બની શકે છે. આમ ટેસ્ટના આધારે કોરોના દર્દીની સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.