લંડનમાં કાર્યરત અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલના ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધી દુનિયાભરમાં ડિમેન્શિયાથી પીડિતોની સંખ્યા ૧૫.૨ કરોડથી વધુ હશે. ડિમેન્શિયા અલ્ઝાઇમર રોગનો સૌથી સામાન્ય પ્રકાર છે. અલ્ઝાઇમર્સ અંગે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા ૧૫૫ દેશોમાં લગભગ ૭૦ હજાર લોકો પર સર્વે કરાયો હતો, જેના તારણ અનુસાર ડિમેન્શિયા પીડિતોમાંથી ૫૦ ટકાને ક્યારેય પણ સાચો ઇલાજ મળી શકતો નથી.
• આખરે અલ્ઝાઇમર્સ શું છે?
મગજની કોશિકાઓ નાશ પામે છે
અલ્ઝાઇમર્સ રોગ એક ન્યુરોલોજિક ડિસઓર્ડર છે, જે મસ્તિષ્કની કોશિકાઓનો નાશ કરે છે, જેના કારણે રોગીની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઇ જાય છે. તેને કંઇ યાદ રહેતું નથી. નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. સ્વભાવમાં સતત પરિવર્તન થતું રહે છે. રોગીને રોજિંદા કાર્યો કરવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અલ્ઝાઇમર મુખ્યત્વે ઉંમરની સાથે વધતો મસ્તિષ્કનો રોગ છે.
• આ રોગ કેવી રીતે થાય છે?
આનુવાંશિક - ડાયાબિટીસ બે મોટા કારણ
આ રોગ મસ્તિષ્કમાં એક વિશેષ પ્રકારના - ટાઉ ટેન્ગલ્સ નામનું પ્રોટીન બનવાને લીધે થાય છે. તે કોશિકાને એક-બીજા સાથે જોડાવામાં અને તેમના વચ્ચે થતી ક્રિયાઓને અવરોધે છે. પરિણામે વ્યક્તિ સારી રીતે સંતુલન બનાવી શકતો નથી. કેટલાક લોકોમાં આ રોગ આનુવાંશિક પણ હોય છે. શારીરિક નિષ્ક્રિયતા, મેદસ્વિતા, ડાયાબિટિસ, માથા પરની ઇજા વગેરે આ બીમારી થવાના મુખ્ય કારણ મનાય છે.
• બીમારીના લક્ષણ અને ઇલાજ
હજુ સુધી કોઇ સચોટ ઉપચાર નથી
અત્યારે લક્ષણોના પરીક્ષણને આધારે જ આ બીમારી અંગે જાણી શકાય છે. તેના માટે ડોક્ટર માનસિક પરીક્ષણ, સીટી સ્કેન, એમઆરઆઇના માધ્યમથી મગજમાં થતાં પરિવર્તન અને તેના કારણ બતાવતા લક્ષણો ચકાસે છે. હજુ સુધી તબીબી નિષ્ણાતો પાસે અલ્ઝાઇમર્સનો કોઇ સચોટ ઇલાજ નથી. જોકે કેટલીક દવાઓ થકી તેનો પ્રભાવ ઘટાડી શકાય છે.
• તેનાથી થતી મુશ્કેલીઓ કઇ છે?
યાદશક્તિ અને ભાષાસંબંધી મુશ્કેલીઓ
અલ્ઝાઇમર રોગોથી પીડિત વ્યક્તિઓને યાદશક્તિ અને ભાષા સંબંધિત મુશ્કેલીઓ ઉપરાંત, કોઇ પ્રકારની તકલીફ વ્યક્ત કરવામાં પણ સમસ્યાઓ થાય છે. બીમારી ગંભીર થતાં ભોજન ગળવાનું સંતુલન અને આંતરડા-મુત્રાશયના નિયંત્રણમાં પણ મુશ્કેલી આવવા લાગે છે.
• શું આ બીમારીથી બચી શકાય છે?
હૃદય સારુ તો બીમારીનું જોખમ ઓછું
વિશષજ્ઞોનું માનવું છે કે, હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, મેદસ્વિતા, ડાયાબિટીસને નિયંત્રિત કરીને તેનું જોખમ ઘટાડી શકાય છે. હૃદય સંબંધિત રોગ વધતાં અલ્ઝાઇમર થવાનું જોખમ વધે છે. આથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો બચાવ કરીને પણ તેનાથી બચી શકાય છે.
લક્ષણો દેખાયાના બે દાયકા પહેલાં જ બ્લડ ટેસ્ટથી નિદાન!
અલ્ઝાઇમરનાં લક્ષણો દેખાતા થાય તેના લગભગ ૨૦ વર્ષ પહેલાં જ વ્યક્તિના બ્લડ ટેસ્ટ થકી તેને અલ્ઝાઇમર થશે કે કેમ તેનું નિદાન થઈ શકશે. અલ્ઝાઇમરના નિદાન માટે અત્યારે PET બ્રેઈન સ્કેન થાય છે. આ પદ્ધિતમાં મગજમાં એકત્ર થતા બિટા એમીલોઇડ પ્રોટીનની હાજરી પકડાય છે. જોકે હાલની આ પદ્ધતિ કરતા બ્લડ ટેસ્ટ વધુ ઉપયોગી હોવાનું છે. જર્નલ ‘ન્યૂરોલોજી’માં પ્રકાશિત આ અભ્યાસના પહેલા લેખક અને ન્યૂરોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સુઝાન શિન્ડલરે થોડા વર્ષ પહેલાં આ ટેસ્ટ વિકસિત કર્યો હતો. લોહીના નમૂના પર માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ કરી આ ટેસ્ટમાં બિટા એમીલોઇડ પ્રોટીનના બે રૂપની હાજરી છે કે કેમ એ નક્કી કરવામાં આવે છે. આ બે પ્રકારના એટલે બિટા એમીલોઇડ ૪૨ અને બિટા એમીલોઇડ ૪૦ છે. જ્યારે મગજમાં બિટા એમીલોઈડનો એકત્ર થવા માંડે છે ત્યારે એ બંને પ્રોટીનના રૂપ વચ્ચેનો ગુણોત્તર ઘટવા માંડે છે. બ્લડ ટેસ્ટમાં આ ફેરફાર પકડી શકાય છે. પ્રોટીનમાં આ ફેરફારનો અભ્યાસ કરીને ભવિષ્યમાં વ્યક્તિને અલ્ઝાઇમર થશે કે કેમ તેનું નિદાન થઇ શકશે.