લંડનઃ બ્રિટનમાં ડિમેન્શિયા સંબંધિત નવા અભ્યાસમાં ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતો અને સાઉથ એશિયન લોકોમાં ડેમેન્શિયાનું સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે. ગરીબ વિસ્તારોમાં આ જોખમનું પ્રમાણ બમણાથી વધુ છે. ગરીબી, રેસિઝમ અને સામાજિક-આર્થિક તણાવના કારણે પણ ડેમેન્શિયાનું જોખમ વધે છે.
ધ લાન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, ધનિક લોકો કરતાં ગરીબ લોકોમાં ડિમેન્શિયાનું જોખમ બેગણું વધારે રહે છે. ડિમેન્શિયાના ઓછામાં ઓછાં ૧૦માંથી એક કેસમાં સામાજિક-આર્થિક વંચિતતા ધરાવતા લોકોમાં આમ જણાયું છે. ૧૦માંથી એક કેસ વંશીયતા સાથે પણ સંકળાયેલો છે. તણાવયુક્ત અને આઘાતજનક જીવન પણ ડિમેન્શિયા સાથે સંકળાયેલું છે. અભ્યાસ અનુસાર વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત અને સાઉથ એશિયન લોકોમાં ડિમેન્સિયાનું જોખમ વધુ રહે છે અને વહેલી ઉંમરે તેનું નિદાન જોવા મળે છે.
બાર્ટ્સ ચેરિટીના ભંડોળ થકી અભ્યાસમાં સંશોધકોએ ઈસ્ટ લંડનના ચાર બરોઝમાં ૨૦૦૯થી ૨૦૧૮ના ગાળાના એક મિલિયનથી વધુ લોકોના મેડિકલ રેકોર્ડ્સનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે ડિમેન્શિયાગ્રસ્ત ૪,૧૩૭ લોકોના રેકોર્ડ્ઝની સરખામણી સમાન વયના ૧૫,૭૫૪ સ્વસ્થ લોકોના ડેટા સાથે પણ કરી હતી. અગ્ર સંશોધક ફાઝા બોથોંગોએ કહ્યું છે કે વંશીયતા અને વંચિતતાના કારણે ડિમેન્શિયાનું જોખમ વધવા પાછળના પરિબળોનો વધુ અભ્યાસ આવશ્યક છે. સંશોધકો એમ માને છે કે શિક્ષણ અને વાયુ પ્રદુષણ જેવાં અન્ય જોખમો સંદર્ભે પૂરતા ડેટાના અભાવે અભ્યાસ મર્યાદિત રહ્યો છે.