લંડનઃ લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત અને એશિયન લોકોને કોવિડ-૧૯નું સંક્રમણ લાગવાનું વધુ જોખમ રહે છે. જોકે, અશ્વેત લોકો માટે સંક્રમિત થવાની બમણી શક્યતા છે પરંતુ, એશિયન લોકોની સરખામણીએ તેમને મૃત્યુનું ભારે જોખમ રહેતું નથી. એશિયન મૂળના લોકોને ICUમાં સારવારની કે મૃત્યુ પામવાનું જોખમ વધુ રહે છે. આ અભ્યાસ અત્યાર સુધીનો સૌથી મોટો અભ્યાસ હોવાં છતાં, અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) મૂળના લોકોને કોવિડ -૧૯નું જોખમ શાથી વધુ રહે છે તેવા કેટલાક પ્રશ્નોનો ઉત્તર મળતો નથી.
વંશીયતા અને કોવિડ-૧૯ વચ્ચે સંબંધના પુરાવાઓના નક્કર વિશ્લેષણમાં ગોરા લોકોની સરખામણીએ અશ્વેત લોકોને કોવિડ-૧૯નું સંક્રમણ લાગવાની શક્યતા બમણી રહેવા છતાં, તેઓ આનાથી મોતનો શિકાર બને તેવી શક્યતા ઓછી હોવાનું સંશોધકોનું કહેવું છે. ધ લાન્સેટ દ્વારા EClinical Medicine જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર અશ્વેત લોકો કરતાં એશિયન મૂળના લોકોને કોરોના વાઈરસના સંક્રમણ, તેનાથી ગંભીર માંદગી અને મોતનું શિકાર બનવાનું જોખમ વધુ હોવાનું પણ યુકે અને યુએસમાં ૧૮ મિલિયન લોકોને સાંકળતા ૫૦ અભ્યાસોની ચકાસણી પછી લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકો કહે છે. BAME મૂળના લોકોને જોખમ વધુ હોવાં બાબતે અનેક પરિબળો કામ કરે છે છતાં, જિનેટિક્સને દોષ આપવો પડે તેવી કોઈ સાબિતીઓ ન હોવાનું પણ વિજ્ઞાનીઓ કહે છે.
કોવિડ-૧૯ના સંક્રમણના જોખમ બાબતે સંશોધકો જણાવે છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ એશિયન મૂળના લોકોને સંક્રમિત થવાનું જોખમ ૫૦ ટકા અને મોતને ભેટવાનું જોખમ ૨૦ ટકા વધુ રહે છે. અશ્વેતોને પણ સંક્રમણનું બમણું જોખમ રહે છે પરંતુ, એશિયન લોકોને ગંભીર કોવિડ-૧૯ બીમારી, ICUમાં દાખલ થવાની શક્યતા બમણી રહે છે. ONSના અભ્યાસમાં પણ કો-મોર્બિડિટી અને ઉંમરના પરિબળોને ગણતરીમાં લેવાયા પછી પણ વ્હાઈટ પુરુષોની સરખામણીએ અશ્વેત અને સાઉથ ઈસ્ટ એશિયન પુરુષોને મોતનું જોખમ અઢી ગણું હોવાનું જણાવાયું છે. મહિલાઓમાં જોખમ બમણું હતું.
અભ્યાસના વરિષ્ઠ આલેખક અને યુનિવર્સિટીઓ લેસ્ટરમાં ચેપી રોગોના નિષ્ણાત ડો. મનીષ પારીક (Pareek) કહે છે કે,‘ લોકો માટે સૌથી મહત્ત્વની બાબત ચેપ લાગતો અટકાવવાની છે. જો તમને ચેપ નહિ લાગે તો તમારે ઈન્ટેન્સિવ કેરમાં જવાની કે મૃત્યુ થવાની વાત જ નહિ આવે.’ નિષ્ણાતોએ અત્યાર સુધી જણાવ્યું છે કે ડાયાબિટીસ અથવા હૃદય રોગો જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ અથવા ગરીબાઈમાં જીવવાના કારણોસર BAME પશ્ચાદભૂના લોકોને કોવિડ-૧૯નું જોખમ વધુ રહે છે. તેઓ નાના ઘરમાં મોટા પરિવારોમાં રહે છે, મોટા ભાગે ચાવીરુપ કામગીરીમાં સંકળાયેલા હોય છે જ્યાં વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ મળતો નથી અને પરિણામે, કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ ધરાવે છે.
એશિયનોને કોવિડ સંબંધિત સ્ટ્રોકની બમણી શક્યતા
સંશોધકોને જણાયું હતું કે કોરોના વાઈરસનો ચેપ વિનાના લોકોની સરખામણીએ ચેપ ધરાવતા એશિયન મૂળના લોકોમાં સ્ટ્રોક પેશન્ટ્સ બમણા હતા. એશિયન મૂળના નોન-કોવિડ પેશન્ટ ગ્રૂપમાં સ્ટ્રોકના પેશન્ટ્સ માત્ર ૭ ટકા હતા જ્યારે કોરોના પોઝિટિવ એશિયન લોકોમાં સ્ટ્રોકના પેશન્ટ્સ ૧૯ ટકા હતા. અન્ય કોઈ વંશીય જૂથ કરતાં પણ આ આંકડો ઊંચો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે એશિયન લોકોને ચેપ લાગવાની શક્યતા વધુ રહેવાથી આમ થઈ શકે છે પરંતુ, આ એક માત્ર ખુલાસો નથી. ઈંગ્લેન્ડમાં આફ્રો-કેરેબિયન અશ્વેત લોકોમાં કોવિડ-૧૯ના ચેપનું સૌથી વધુ જોખમ રહેલું છે પરંતુ, સ્ટ્રોક્સમાં આટલો વધારો જોવા મળ્યો નથી. નિષ્ણાતો કહે છે કે કોરોના વાઈરસ લોહીને જાડું બનાવે છે અને તેનાથી ગઠ્ઠા થતા સ્ટ્રોક્સ જોવા મળે છે.