ભેજવાળા દિવસોમાં અસ્થમા પીડિતોની મુશ્કેલીઓ વધવા લાગે છે. અસ્થમા શ્વસન પ્રણાલી સંબંધિત એવી બીમારી છે, જેમાં પીડિતોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખાંસી-કફની સમસ્યા થાય છે. આ એક આનુવાંશિક ટેન્ડન્સી છે, એટલે કે પરિવારમાં જો કોઇને અસ્થમાનો ઈતિહાસ હોય તો આ થવાની શંકા વધી જાય છે. ખાસ તો બાળકોને શરદી, ખાંસી દરમિયાન જો શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય સમસ્યાને ગંભીરતાથી લેવી જરૂરી છે. અસ્થમાને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. લગભગ 95 ટકા પીડિત કોઈ પણ તકલીફ વગર કામ કરી શકે છે.
અસ્થમા અંગે જાણવા જેવું...
• અસ્થમા એટલે શું? તેના કયા કારણ છે?
અસ્થમા એક પ્રકારની એલર્જી છે, જેમાં શ્વાસનળી (બ્રોન્કોઈ) વધુ સંવેદનશીલ બની જાય છે. આ એલર્જી, પરાગરજ, ધૂળ, પશુની રુંવાટી, ગંધ, ધુમાડો, ખાવાની વસ્તુઓથી પણ થઈ શકે છે. તેનાથી પીડિત વ્યક્તિની શ્વાસનળીઓ સંકોચાઈ જાય છે, જેમાં શ્વાસ લેવામાં ગભરામણ, છાતી જકડાઈ જવી અને શ્વાસ ફૂલવા જેવી સમસ્યાઓ થાય છે. રાતના સમયે કે સવારે ખાંસી વધુ આવે છે. ખાંસી પછી ઉલટી થવી ગંભીર અસ્થમાનો સંકેત છે.
• સામાન્ય રીતે કઈ ઉંમરે થાય છે?
અસ્થમા કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેની શરૂઆત બાળપણમાં થાય છે. જે બાળકોમાં એલર્જીની પ્રકૃત્તિ હોય છે, તેમના અંદર ક્રમિક ધોરણે આ લક્ષણો દેખાય છે. જેને ‘એલર્જી માર્ચ' કહે છે. ભોજન પ્રત્યેની એલર્જી સામાન્ય રીતે સૌથી પહેલા દેખાય છે. જેમ કે, દૂધ પીવાથી બાળકને પેટમાં દુઃખવું કે એક્ઝિમા થઈ શકે છે. આવું સામાન્ય રીતે 2 વર્ષની ઉંમર સુધી થાય છે. ત્યાર પછી એલર્જિક રાઈનાર્ટિસ થાય છે, જેમાં વહેતી નાક કે બંધ નાક અથવા વધુ છીંક આવે છે. સામાન્ય રીતે 3-6 વર્ષની ઉમરે થાય છે. લગભગ એ જ સમયે કે ત્યાર પછી અસ્થમાની શરૂઆત થાય છે.
• શું બાળકોને વધુ જોખમ છે?
હા. બાળકોમાં અસ્થમા અત્યંત ગંભીર અને ત્યાં સુધી કે જીવલેણ પણ હોઈ શકે છે. જેનું કારણ એ છે કે, નાના બાળકો તકલીફ જણાવી શકતા નથી. માતા-પિતાને જ્યાં સુધીમાં આ તકલીફ વિશે ખબર પડે છે ત્યાં સુધી બીમારીનું પ્રમાણ વધી જાય છે. ચોમાસામાં વધુ તકલીફ થાય છે. વરસાદ દરમિયાન વાતાવરણમાં ભેજ વધુ હોય છે, જેના કારણે ફૂગ વધે છે. જે દર્દી ફૂગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, તેમને અસ્થમાનો હુમલો આવી શકે છે.
• અસ્થમાનાં મુખ્ય લક્ષણ શું છે?
અસ્થમાથી પીડિત વ્યક્તિની એર ટ્યુબ અત્યંત સેન્સિટિવ હોય છે. તાપમાનમાં પરિવર્તન, ધૂળ, પરાગરજ, વાઈરલ ઈન્ફેક્શન વગેરે મામલે શરીર અત્યંત ઝડપી પ્રતિક્રિયા આપે છે. જેના કારણે પીડિતને છાતી જકડાઈ જવી, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરામણ, સીડી ચઢવી કે દોડવા વગેરેમાં શ્વાસ ફૂલાવા જેવી સમસ્યા થાય છે. કેટલાક લોકોમાં ખાંસીની પણ ફરિયાદ હોય છે. સામાન્ય રીતે સવારના સમયે કે મોડી રાત્રે ખાંસી વધુ આવે છે.
આ ત્રણ ઉપાય મદદગાર
ઘરેલું ઉપાયઃ આદું, મધની સાથે ગરમ પાણી પીઓ
આદુ અને મધ સાથે ગરમ પાણી શ્વાસનળીનો સોજો ઘટાડવામાં મદદ કરે છે. પાણીમાં જીરુ, તુલસી નાખીને વરાળ લેવાથી પણ ફાયદો થાય છે. રાત્રે ત્રણ અંજીર પલાળો. ત્યાર પછી સવારે ભૂખ્યા પેટે અંજીર ખાધા પછી તેનું પાણી પણ પી જવું. તેનાથી કફ ઓછો બને છે.
ડાયેટઃ તળેલું, જંકફૂડ ખૂબ જ નુકસાનકારક
જમવાની જે કોઈ પણ વસ્તુઓથી અસ્થમાના લક્ષણ વધતા હોય તેનાથી દૂર રહો. આ ઉપરાંત ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિન્ક, બરફ, તળેલી વસ્તુઓ, જંકફૂડ નુકસાન પહોંચાડે છે. કાચા કેળા, ખાટા ફળથી પણ નુકસાન થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ફાયદો પહોંચાડે છે. તેમને ભોજનમાં જરૂર સામેલ કરો.
યોગ: અનુલોમ વિલોમ, સૂર્ય નમસ્કાર ફાયદાકારક
અનુલોમ વિલોમ, ભ્રસ્તિકા જેવા પ્રાણાયામ શ્વાસના દર્દીઓને ડાયાફ્રેર્મિક શ્વાસ લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શ્વાસ માટે ઉપયોગી માંસપેશીઓને મજબૂત કરે છે. સૂર્ય નમસ્કારથી પણ ફાયદો થાય છે. જોકે, એક બાબત ખાસ ધ્યાને લેશો કે યોગ અસ્થમાને દૂર કરીને દર્દીને સાજો કરી શક્તો નથી. યોગ અસ્થમાની તકલીફમાં માત્ર રાહત આપે છે.