નવી દિલ્હી: આખી દુનિયા હાલ કોરોનાની દવા શોધવાના કામે વળગી છે ત્યારે તબીબી જગતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક એઈડ્સગ્રસ્ત વ્યક્તિ કુદરતી રીતે જ - આપમેળે સાજો થઈ ગયો છે, જેના કારણે તબીબો અને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એચઆઇવી-એઈડ્સની પણ કોઈ દવા નથી અને તેના દર્દીએ આખી જિંદગી દવાઓ અને સાવચેતીને સહારે જીવવું પડે છે.
તબીબી વિજ્ઞાનમાં પહેલી વખત એવો કિસ્સો નોંધાયો છે કે, જેમાં દર્દીના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિએ જ એચઆઇવીનો ખાતમો બોલાવી દીધો હોય. આ માટે તેને કોઈ જ દવા કે રસી આપવામાં આવી નહોતી. અગાઉ કેટલાક દર્દીઓને એચઆઇવીથી મુક્ત કરવાના પ્રયાસરૂપે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે પછી તેમના શરીરમાં એચઆઇવી વાઈરસ ખુબ જ ઝડપથી ઘટવા લાગ્યો હતો અને ત્યાર બાદ ફરી ક્યારેય જોવા મળ્યો નહોતો.
સાયન્સ મેગેઝિન ‘નેચર’માં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર આ દર્દીના શરીરની ૧૫૦ કરોડ કોશિકાઓની તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેને એચઆઇવીમુક્ત જાહેર કર્યો હતો. આ દર્દીને ઈસી-ટુ નામ આપવામાં આવ્યું છે. બીજા એક દર્દી કે જેને ઈસી-વન નામ આપવામાં આવ્યું છે, તેના શરીરની ૧૦૦ કરોડ કોશિકાઓની તપાસ કરવામાં આવી હતી અને તેના શરીરમાં એક માત્ર એચઆઇવી સક્રિય જોવા મળ્યો હતો, પણ તે જિનેટિકલ નિષ્ક્રિય હતો. ટૂંકમાં આ બંને દર્દીઓના શરીરનું જિનેટિક્સ જ એવું છે કે, જેના કારણે એચઆઇવીની સક્રિયતા જ સમાપ્ત થઈ ગઈ હતી.
ઊંડી તપાસ બાદ વૈજ્ઞાનિકોએ આ બંને સાજા થયેલા દર્દીઓને એલિટ કન્ટ્રોલર્સ (ઈસી) નામ આપ્યું છે. આ એવા લોકો છે કે, જેમના શરીરમાં એચઆઇવી પૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ જાય છે કે પછી તેમાં એચઆઇવી એટલા ઓછા પ્રમાણમાં છે કે, જેનાથી તેઓ આપમેળે જ સાજા થઈ શકે છે. આવા લોકોમાં એચઆઇવીના લક્ષણો દેખાયા નહતા કે તેમને તેનાથી કોઈ નુકસાન પણ થયું નહોતું.
કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એચઆઇવી પર શોધ કરી રહેલા સત્યા દાંડેકરે કહ્યું કે, આ પ્રકારની ઈમ્યૂન સિસ્ટમ એ કંઈ કેટલાક મહિના કે વર્ષોમાં વિકાસ પામી નથી, પણ ખુબ જ લાંબા સમયે વિકાસ પામનારી ઈમ્યૂન સિસ્ટમ લાગી રહી છે. દુનિયામાં ૩૫૦ કરોડ લોકો એચઆઇવીનો ચેપ ધરાવે છે, જેમાંથી ૯૯.૫૦ ટકા લોકોને દરરોજ તેની દવા લેવી પડે છે. દવા વિના આ બીમારી પર નિયંત્રણ રાખવું લગભગ અશક્ય છે.
સત્યાએ કહ્યું કે, અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક કે તબીબે એલિટ કન્ટ્રોલર્સની રોગપ્રતિકારક શક્તિ અને એચઆઈવી વચ્ચેના સંઘર્ષને રેકોર્ડ કર્યો હોય કે તેના પર કોઈ રિપોર્ટ તૈયાર કરી હોય તેવું જણાતું નથી. આપણામાંથી કોઈએ શરીરની રોગપ્રતિકારક શક્તિનો એચઆઇવી પર થનારો પ્રથમ હુમલાને રેકોર્ડ કર્યો નથી. આથી જ્યારે કોઈ એલિટ કન્ટ્રોલર જાહેર થાય છે, ત્યાં સુધી તો તેની રોગપ્રતિકારક શક્તિ એચઆઈવીને હરાવી ચૂકી હોય છે.
વૈજ્ઞાનિકો એવું પણ માની રહ્યા છે કે, આ બે એલિટ કન્ટ્રોલર્સના શરીરમાં રહેલા એચઆઇવીનો વાઈરસ નબળો હોય. વૈજ્ઞાનિકોએ ૬૪ એલિટ કન્ટ્રોલર્સના શરીર પર એચઆઈવી ચેપનો અભ્યાસ કર્યો છે, જેમાંથી ૪૧ લોકો એવા હતા કે, જેઓ દવા લઈ રહ્યા હતા. જ્યારે ઈસી-ટુ દર્દીએ તો કોઈ પણ દવા લીધા વિના એઈડ્સને હરાવ્યો હતો.