આ 4 ઉપાય થકી તમે રોગપ્રતિકાર શક્તિ વધારી શકો છો

કોરોના પછી ચિકનપોક્સ, ટીબી જેવી 13 ચેપી બીમારીઓ વધી છે

Wednesday 07th August 2024 07:16 EDT
 
 

કોરોનાકાળ પછી તમે કંઈક વધુ જ બીમાર પડી રહ્યા છો એવું તમને લાગે છે? જો જવાબ હા હોય તો તમારી ધારણા ખોટી નથી. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ કોરોના કાળ પછી વિશ્વના અનેક દેશોમાં લગભગ 13 પ્રકારની ચેપી બીમારીઓ વધી છે. જેમાં સામાન્ય શરદી-ખાંસીથી માંડીને અછબડા, ટીબી અને કોલેરાનો સમાવેશ થાય છે. બીમારીઓનું પૂર્વાનુમાન કરતી લંડનની સંસ્થા એરફિનિટી લિમિટેડ સાથે મળીને આ સરવે કરાયો હતો. જેમાં 60થી વધુ સંગઠન અને સરકારી સંસ્થાઓના આંકડાનું વિશ્લેષણ કરીને આ તારણ રજૂ કરાયું છે. રિસર્ચ કહે છે કે, વિશ્વના 44 દેશમાં એક કે તેના કરતા વધુ ચેપી બીમારીઓ કોરોનાકાળની પહેલાની સ્થિતિથી લગભગ 10 ગણી ઝડપથી ફેલાઈ રહી છે. જેમાં કોરોનાને કારણે ઘટેલી રોગપ્રતિકાર શક્તિ એક મોટું કારણ છે. તાપમાન સાથે વધેલો તણાવ પણ એક કારણ છે. આ ચાર ઉપાય દ્વારા તમે રોગપ્રતિકાર શક્તિ સારી રાખી શકો છો.

શરીરને હાઈડ્રેટ રાખો, 10 મિનિટમાં મેટાબોલિઝમ પર અસર
પાણીમાત્ર તરસ જ નથી છીપાવતું, પરંતુ તેનાથી શરીરમાં બર્ન થતી કેલરીની સંખ્યા પણ વધે છે. જેને રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડીચર કહે છે. રિસર્ચ મુજબ યુવાનોમાં 1ગ્લાસ પાણી પીવાના 10 મિનિટમાં આરામની સ્થિતિમાં ખર્ચ થતી કેલરીનું પ્રમાણ 24થી 30 ટકા વધી જાય છે. આની અસર 60 મિનિટ સુધી રહે છે. ખાસ કરીને ભોજન કરતાં પહેલા જો એક ગ્લાસ પાણી પીવામાં આવે તો ફાયદા વધી જાય છે. મેટાબોલિઝમ સારું રહેવાથી ઈમ્યુનિટી સુધરે છે, અને તમે બીમારી સામે તમારો બચાવ થાય છે.

વિટામિન ડી સંતુલિત રાખો, આનાથી ચેપનું જોખમ ઘટે છે
શરીરમાં વિટામિન ડીની ઊણપથી ઓટોઈમ્યુન બીમારીઓ અને ચેપનું જોખમ વધે છે. વર્ષ 2011માં હાર્વર્ડ હેલ્થના એક રિસર્ચ રિપોર્ટ મુજબ વિટામિન-ડીની ઉણપ ઈમ્યુનિટીની પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. આથી ચેપી રોગોની નાનીમોટી બીમારી સતત રહેતી હોય તો વિટામિન ડીની ઊણપની તપાસ કરાવો. જો વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય તો તમારા જીપીને કન્સલ્ટ કરીને સપ્લીમેન્ટ લેવા સહિતના આવશ્યક પગલાં લો.

કલરબ્રિધિંગ કરો, તેનાથી મેન્ટલ સ્ટ્રેસ ઘટે છે
માનસિક તણાવ પણ આપણા શરીરની રોગપ્રતિકાર શક્તિ પર વિપરિત અસર કરતો હોય છે. આથી સારી ઇમ્યુનિટી માટે મેન્ટલ સ્ટ્રેસથી બચો. આ માટે તમે કલર બ્રિધિંગ કરી શકો. સૌથી પહેલા પોતાની અંદર જે પરિવર્તન ઈચ્છો છો તેને પસંદ કરો. આ ભાવનાત્મક પરિવર્તન કે પોઝિટિવિટી પણ હોઈ શકે છે. હવે આ ભાવનાની કલ્પના એક રંગ તરીકે કરો. ત્યાર પછી આંખ બંધ કરીને બેસી જાઓ. ઊંડો શ્વાસ લો. હવે એ રંગની કલ્પના કરો જેને તમે પસંદ કર્યો છે. રંગ પર ધ્યાન આપીને ધીમે ધીમે શ્વાસ લેતા રહો અને દરેક શ્વાસથી અનુભવો કે આ રંગ માથાથી લઈને પગ સુધી સમગ્ર શરીરમાં ફેલાઈ રહ્યો છે. હવે ધીમે ધીમે શ્વાસ છોડો, પરંતુ છોડવામાં આવતા દરેક શ્વાસ સાથે એ નકારાત્મક ભાવનાઓને બહાર જતી અનુભવો જેને તમે છોડવા માગો છો. આ પછી બીજા શ્વાસમાં ખાલી થયેલું સ્થાન તમારી કલ્પનાના રંગથી ભરી દો.

પૂરતી ઊંઘ લો, ચેપથી બચાવતું પ્રોટીન બને છે
રોગપ્રતિકાર શક્તિને સારી રીતે કાર્યરત રાખવા માટે શરીરને પૂરતી ઊંઘ જરૂરી છે. ઊંઘ દરમિયાન આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ સાઈટોકાઈન નામનું પ્રોટીન રિલીઝ કરે છે. આ પ્રોટીનમાંના તત્વો ચેપ સામે લડે છે. પૂરતી ઊંઘના અભાવથી શરીરમાં સાઈટોકાઈનનું ઉત્પાદન ઘટે છે, અને શરીરની ચેપ સામે લડવાની શક્તિ ઘટે છે. સ્લીપ ફાઉન્ડેશનના સુચન મુજબ યુવાન વ્યક્તિ માટે 7થી 9 કલાકની ઊંઘ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter