યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જૂન 2022માં જારી સંશોધનમાં આ ખુલાસો થયેલો છે. રિસર્ચ અનુસાર પ્રી-ડાયાબિટિકમાંથી અડધા આગામી પાંચ વર્ષમાં ડાયાબિટીસનો શિકાર થઇ શકે છે. વાસ્તવમાં આપણા શરીરના કોષો એનર્જી માટે શુગર પર નિર્ભર હોય છે. અને કોષોમાં શુગર ત્યારે જ પહોંચી શકે છે જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન યોગ્ય રીતે કામ કરતા હોય. જો તમારી જીવનશૈલી ખરાબ હોય તો ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટી જાય છે અને સ્વાદુપિંડને વધુ પડતું કામ કરવું પડે છે. જ્યારે સ્વાદુપિંડ પણ થાકવા લાગે ત્યારે શુગર વધે છે. શુગર નિર્ધારિત માત્રા કરતાં વધુ અથવા ઓછી હોય તો હૃદય, કિડની, નર્વ, આંખો અને મગજ પર વિપરિત અસર પડે છે. શરીરમાં શુગરનું પ્રમાણ અસામાન્ય થાય છે ત્યારે કેટલાક સંકેત જોવા મળે છે. આ છ સંકેત ક્યા છે તે જાણીએ.
1) તરસ અને વધુ યુરિન
શરીરમાં જ્યારે શુગરની માત્રા વધુ હોય છે ત્યારે કિડની વધેલી માત્રાથી શરીરને છુટકારો અપાવવાનો પ્રયાસ કરે છે. આ માટે તે શુગરને યુરિનના માધ્યમથી શરીરમાંથી બહાર કાઢવા લાગે છે, તેના માટે શરીરને ટિશ્યૂમાંથી વધુ પાણી ખેંચવું પડે છે. પરિણામે તરસ પણ વધુ લાગે છે. વારંવાર યુરિન લાગે છે. ત્વચા અને મોં વધુ સુકાય છે.
2) ધૂંધળું દેખાય છે
શુગરની માત્રા ઘટાડવા માટે જ્યારે શરીર ટિશ્યૂથી પાણી વધુ ખેંચે છે ત્યારે આંખોના લેન્સમાં પણ ફ્લુઇડનું સ્તર બદલાઇ છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાઇજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ (એનઆઇડીડીકે) અનુસાર તેનાથી આંખોને ફોક્સ કરવામાં મુશ્કેલી થાય છે. ધૂંધળું દેખાવા લાગે છે.
3) બ્રેન ફોગ, માથાનો દુખાવો
શુગર મગજની કાર્ય કરવાની ક્ષમતાને પણ અસર કરે છે, જેનાથી યાદશક્તિમાં ઘટાડો, વિચારવામાં મુશ્કેલી અને એકાગ્રતા પ્રભાવિત થાય છે. પ્રી-ડાયાબિટિક અને ડાયાબિટિક બંને સ્ટેજમાં ભોજનના 3-5 કલાક બાદ મગજને પર્યાપ્ત ઉર્જા મળતી નથી, જેનાથી મુંઝવણ, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.
4) વારંવાર ઇન્ફેક્શન
શુગરની વધુ માત્રા શરીરમાં બેક્ટેરિયા, ફંગસ અને અન્ય રોગાણુઓ માટે વાતાવરણ તૈયાર કરે છે. તેનાથી વ્યક્તિને વારંવાર સંક્રમણ (ઇન્ફેક્શન) થાય છે. ખાસ કરીને યુરિનરી ટ્રેક્ટ, ફંગલ સંક્રમણ જેવું સંક્રમણ વધુ થાય છે. વધુ શુગરને કારણે ઘા પર રૂઝ આવતા પણ વાર લાગે છે.
5) જલદી થાક લાગવો
શરીરમાં શુગરના વધુ પ્રમાણનો અર્થ છે તે લોહીમાં જ વધુ ફરે છે. વાસ્તવમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે તેનું ઉર્જામાં પરિવર્તન થતું નથી. એટલે જ કોષોને જરૂરી ગ્લૂકોઝ અને ઉર્જા નથી મળતી, જેનાથી થાક લાગે છે. તદુપરાંત વધુ શુગરને કારણે ડિહાઇડ્રેશન તેમજ સોજાથી પણ થાક વધે છે.
6) બીપી અને અપૂરતી ઊંઘ
ડાયાબિટીસ થવાના લગભગ 10 વર્ષ પહેલાથી રક્તવાહિનીમાં ફેરફાર થવા લાગે છે. ઇન્સ્યુલિન રેઝિસને કારણે આમ થાય છે. બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા અનિયમિત હોય છે, તેનાથી બીપીની સમસ્યા થવા લાગે છે. હૃદયરોગનો ખતરો વધે છે.
આમ હવે પછી જ્યારે તમને શરીરમાં આવા કોઇ લક્ષણ વર્તાય ત્યારે તેની ઉપેક્ષા કરવાના બદલે શુગર લેવલ ચેક કરાવો. આનાથી તમે ડાયાબિટીસની તકલીફને તમે ઉગતી જ ડામી શકશો.